હાઈકોર્ટની ટકોર બાદ સરકારી તંત્ર જાગ્યું, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા 108 ની જરૂર નહિ પડે
ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે 108 એમ્બ્યુલન્સની સુવિધાથી લઈને અનેક મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે સરકારે પોતાના આકરા નિર્ણયો બદલવાની ફરજ પડી છે. પહેલા નિયમ હતો કે, માત્ર 108 માં આવતા દર્દીઓને જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે હવે આ નિયમ બદલાયો છે. હવે કોઈ પણ વાહનમાં આવતા દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હવે દર્દી ચાલતો હોસ્પિટલમાં આવશે તો પણ તેને દાખલ કરવામાં આવશે. સાથે જ હોસ્પિટલની બહાર દર્દીઓની માહિતી આપતુ ડિસ્પ્લે પણ લગાવવામાં આવશે.
ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે 108 એમ્બ્યુલન્સની સુવિધાથી લઈને અનેક મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે સરકારે પોતાના આકરા નિર્ણયો બદલવાની ફરજ પડી છે. પહેલા નિયમ હતો કે, માત્ર 108 માં આવતા દર્દીઓને જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે હવે આ નિયમ બદલાયો છે. હવે કોઈ પણ વાહનમાં આવતા દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હવે દર્દી ચાલતો હોસ્પિટલમાં આવશે તો પણ તેને દાખલ કરવામાં આવશે. સાથે જ હોસ્પિટલની બહાર દર્દીઓની માહિતી આપતુ ડિસ્પ્લે પણ લગાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના નિર્ણય
- કોઈપણ હોસ્પિટલમાં દાખલ થવા 108ની જરૂર નહીં
- તમામ ખાનગી હોસ્પિટલમાં 75% બેડ કોવિડ સારવાર માટે રિઝર્વ
- કોવિડ સારવાર માટે અમદાવાદનું આધારકાર્ડ જરૂરી નહીં
- રાજ્ય સરકારના પોર્ટલ પર બેડની રિયલ ટાઈમ માહિતી મળશે
- દરેક હોસ્પિટલની બહાર બેડની સ્થિતિની માહિતી દર્શાવવી
- કોઈપણ ગંભીર દર્દીને સારવારની ના નહીં પાડી શકાય
ખાનગી વાહનોને હોસ્પિટલમાં એન્ટ્રી
હાઈકોર્ટની લપડાક બાદ સરકાર દ્વારા નીતિનિયમો બદલવામાં આવ્યા છે. અમદાવાદીઓ માટે આ ફેરફાર બહુ જ કામના બની જશે. સાથે જ કોરોનાની સારવારમાં કોઈ ખલેલ નહિ પહોંચે. અગાઉ હોસ્પિટલોમાં દાખલ થવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા કમ્પલસરી બનાવાઈ હતી. તે સિવાયના વાહનોમાં આવતા દર્દીઓને હોસ્પિટલોના દરવાજે જ રોકી દેવામાં આવતા હતા. પરંતુ હવે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ દર્દી કોઈ પણ રીતે હોસ્પિટલ પહોંચશે તો તેને સારવાર આપવામાં આવશે. ખાનગી વાહનમાં આવતા કે ચાલતા આવતા દર્દીને પણ હવે હોસ્પિટલમાં બેડ મળી જશે. ગઈકાલે હાઈકોર્ટ ટકોર કરી હતી કે, દર્દી ગમે તે રીતે હોસ્પિટલમાં આવે તેને સારવાર આપવામાં આવે તે પ્રાથમિક ફરજ છે. તેથી સરકારે પોતાનો આ નિર્ણય બદલ્યો છે.
આધાર કાર્ડનો નિયમ પણ પાછો ખેંચાયો
હોસ્પિટલમા દાખલ થવા માટે આધાર કાર્ડ જરૂરિયાત હોવાનો નિર્ણય પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. અમદાવાદનું આધાર કાર્ડ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોમાં ફરજિયાત કરાયું હતું, તે નિયમને બદલાયો છે. કોઈ પણ હોસ્પિટલમાં અમદાવાદ સિવાયના બહારના દર્દીને પણ સારવાર મળવી જોઈએ તેવી ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. જેથી હવે અમદાવાદની હોસ્પિટલમાં બહારના દર્દીને પણ સારવાર મળી રહેશે. કોઈપણ ગંભીર દર્દીને સારવારની ના નહીં પાડી શકાય.
હોસ્પિટલની બહાર ડિસ્પ્લેમાં બેડની માહિતી મળશે
રાજ્ય સરકારના પોર્ટલ પર તમામ માહિતી ઉપલબ્ધ મળી રહેશે. તમામ હોસ્પિટલની બહાર બેડની રિયલ ટાઈમ માહિતી ફરજિયાત બનાવાઈ છે. જેથી દર્દીને હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાની માહિતી મળી શકે.
75 ટકા બેડ કોવિડ સારવાર માટે રિઝર્વ
તમામ ખાનગી હોસ્પિટલોએ તેમના હયાત અને ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવાના રહેશે. માત્ર 25 ટકા બેડ જ કોવિડ સિવાયના દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.