42000ની જ વસ્તી, 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું; અમિત ચાવડાએ કર્યા ગંભીર આક્ષેપ

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં 4 વર્ષમાં મનરેગામાં મટીરીયલમાં ખર્ચ થયેલ 512 કરોડમાંથી સૌથી નાના તાલુકા જાંબુઘોડામાં 216 કરોડનો ખર્ચ થયો હોવાનો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેમજ અમિત ચાવડાએ જાંબુઘોડા તાલુકામાં 200 કરોડ કરતા વધુનું મટીરીયલ સપ્લાય કરનાર ગીરીરાજ ટ્રેડર્સ, ગીરીરાજ સપ્લાયર્સ, જય માતાજી સપ્લાયર્સ, ગીરીરાજ એન્ટરપ્રાઈઝના ભ્રષ્ટાચારની અને મિલ્કતોની તપાસ કરવા માંગ કરી છે.

42000ની જ વસ્તી, 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું; અમિત ચાવડાએ કર્યા ગંભીર આક્ષેપ
  • મનરેગા કાયદામાં લેબર: મટીરીયલ (60:40) રેશિયો, જાંબુઘોડામાં લેબર 22 : મટીરીયલ 78નો રેશિયો
  • પંચમહાલ જિલ્લામાં ૪ વર્ષમાં મનરેગામાં મટીરીયલમાં ખર્ચ થયેલ 512 કરોડમાંથી સૌથી નાના તાલુકા જાંબુઘોડામાં 216 કરોડનો ખર્ચ: અમિત ચાવડા 
  • મનરેગા કૌભાંડ માટે DDO- DRDA Director- ગ્રામ વિકાસ કમિશ્નર- ગ્રામ વિકાસ મંત્રીની જવાબદારી ફિક્સ કરો: અમિત ચાવડા

Panchmahal News: આજે ગુજરાતમાં કોઇપણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ નીતિ નિયમોને નેવે મૂકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના મોટા આક્ષેપ આજે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા છે. કેન્દ્ર સરકારના બજેટમાંથી મનરેગા માટે કરોડો રૂપિયા ફાળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ 100 દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે એવા ઉમદા હેતુ સાથે યુ.પી.એ. સરકાર દ્વારા આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે પણ આ બજેટમાંથી સ્થાનિક મજુરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓ પોતાના ખિસ્સા અને ઘર ભરી રહ્યા છે.  

અમિત ચાવડાએ આક્ષેપો કરતાં કહ્યું છે કે,  દાહોદમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બે-બે પુત્રો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો દેવગઢ બારિયા અને ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે. દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે પણ સરકાર હજી બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને નજીકના લોકોને. 

બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે. પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો જ્યાં આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોઈએ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાની 26 ગ્રામ પંચાયતો છે. ફક્ત 42000 વસ્તી આખા તાલુકાની છે. પંચમહાલ જિલ્લામાં 39 જિલ્લા પંચાયતની બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકામાં 26 ગામ અને 42000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે. આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 42000ની વસ્તીવાળો તાલુકો, એમાં મનરેગા યોજનામાં જે કામો થયા એમાં લેબર અને મટીરીયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ મજુરોને રોજગાર આપવાનો કાયદો છે. એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ, લેબર પાર્ટમાં મજુરી કામ માટે વેતન માટે અને 40% રકમ મટીરીયલ માટે ચૂકવવી જોઈએ. 

જાંબુઘોડા તાલુકામાં....
વર્ષ             ખર્ચની રકમ (લેબર + મટીરીયલ )    લેબર : મટીરીયલ (રેશિયો)
2021-22     54.39 કરોડ                                 21 : 79
2022-23     128.99 કરોડ                               06 : 94 
2023-24     69.45 કરોડ                                 19 : 81 
2024-25     40.38 કરોડ                                 42 : 58 
કુલ              293.21 કરોડ                 
ચાર વર્ષનો એવરેજ રેશિયો 22 : 78 (લેબર : મટીરીયલ) 

અમિત ચાવડા આક્ષેપ કરતાં કહે છે કે,  ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો. કારણ કે ભાજપના પંચમહાલ જિલ્લાના પ્રમુખ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી બધું થયું હોવાની લોકો રજૂઆત અને ફરિયાદો છે. મને પણ ભાજપના કેટલા લોકો રજૂઆતો અને પુરાવાઓ આપી ગયા છે. એ બધાનું કહેવું છે કે, આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો છે. અને એ લોકો એટલા માટે એમ કહે છે કે, આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થયો છે. 

વર્ષ     જિલ્લાનો કુલ ખર્ચ (મટીરીયલ)    જાંબુઘોડાનો ખર્ચ (મટીરીયલ)
2021-22     110 કરોડ                        39 કરોડ 
2022-23     201 કરોડ                       109 કરોડ 
2023-24     115 કરોડ                        50 કરોડ 
2024-25     86.37 કરોડ                     20.75 કરોડ 
કુલ              512.38 કરોડ                   216 કરોડ 

એટલે સમજી શકાય કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના 6 તાલુકામાં 50% ખર્ચ થાય છે. આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં 512 કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરીયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરીયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે, આ તાલુકામાં રોજગાર આપવાની ચિંતા નથી પણ મટીરીયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. 

અમિત ચાવડા આક્ષેપો કરતા કહે છે કે, આની ફરિયાદો આજકાલથી નહી પણ સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજુઆતો થઇ છે. મેં પણ ત્રણ વખત પત્રો લખ્યા છે, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો એ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પૂછવું છે કે આટલું બધું કૌભાંડ, ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાના ડી.આર.ડી.એ. ડાયરેક્ટર કે ડી.ડી.ઓ.એ આજદિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું, એમને આજદિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રીપોર્ટ, પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીમા આવે છે તો ગામ વિકાસ કમિશ્નરના ધ્યાને આ બાબતો કેમ નાં આવી? 

રાજ્ય સરકારના ગ્રામ વિકાસના મંત્રી છે એમના ધ્યાને આ હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાના સંસદસભ્ય છે, જે ડી.આર.ડી.એ.ની દિશા કમિટી છે, જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર ત્રણ મહીને વિજિલન્સની દિશા કમિટીની મીટીંગ ફરજિયાત મળે છે તો એમને આજદિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું, પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે.

કેન્દ્ર તરફથી તો આપણા વડાપ્રધાન 26 તારીખે દાહોદમાં આવે છે ત્યારે મારે એમને પણ થોડી હકીકતો પહોંચાડવી છે, જે ભાજપના લોકો કેટલીક હકીકતો મને આપી ગયા કે આખું જે મટીરીયલ સપ્લાય ચાલે છે. જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે. (1) ગીરીરાજ ટ્રેડર્સ, (2) ગીરીરાજ સપ્લાયર્સ, (3) ગીરીરાજ એન્ટરપ્રાઈઝ, (4) જય માતાજી સપ્લાયર. 

હમણાં મને કોઈએ કીધું કે આટલું મોટું કરોડોનું મટીરીયલ સપ્લાય કરતા હોય તો કોઈ મોટી એજન્સી હશે, મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો? GSTની વેબસાઈટ ઉપરથી હમણાં જ એના ટીન નંબર હોય એ નાંખીને હકીકતો કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગીરીરાજ ટ્રેડર્સ છે જેને કરોડો રૂપિયાનું મટીરીયલ સપ્લાય કર્યું છે એના લીગલ નેઈમ ઓફ બીઝનેસ જેનું નામ છે મયંકકુમાર દેસાઈ છે જે સંભવતઃ જિલ્લા ભાજપના હાલના પ્રમુખ છે. 

બીજી છે ગીરીરાજ એન્ટરપ્રાઈઝ, એના માલિકનું નામ છે જીગ્નેશ સુંદરલાલ દેસાઈ, ત્રીજું ગીરીરાજ સપ્લાયર્સ એના માલિકનું નામ છે કેતુબેન મયંકકુમાર દેસાઈ જે સંભવતઃ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે. ચોથું નામ છે જય માતાજી સપ્લાયર જેમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા. મને કોઈએ કીધું કે જિલ્લા ભાજપના પ્રમુખના ખુબ નજીકના માણસ છે એક સમયે તેમના ડ્રાઈવર પણ હતા. આમ ચારેય નામ બહાર આવ્યા છે. 

અમિત ચાવડાના આક્ષેપો મુજબ, મને જે ફરિયાદો મળી છે એ મુજબ ખાંડીવાવ ગામ છે. જેની 1250ની વસ્તી છે, એનો એરિયા બે સ્કેવર કી.મી.નો છે. ત્યાં જે જોબકાર્ડ ઇસ્યુ થયા છે, જે એક્ટીવ જોબકાર્ડ છે, જે સરકારની વેબસાઈટ પર અવેલેબલ છે. એવા 196 એક્ટીવ જોબકાર્ડ છે એટલે 196 લોકો જ કામ કરવા આવે છે. આ ગામમાં 2021-22 થી 2024-25 સુધી ચાર વર્ષનો હિસાબ જોઈએ તો ચાર વર્ષમાં 29 કરોડ રૂપિયાના મટીરીયલ કમ્પોનન્ટના કામનું ચુકવણું થયું છે અને 80 લાખ રૂપિયાનું લેબર ચૂકવણું થયું છે. તેમજ 1617 વિકાસના કામો થયા છે. 

આ 1250ની વસ્તીવાળા ગામમાં એવી રીતે જાંબુઘોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં બધાને ખ્યાલ હશે કે 50% ગામ તો નાની-મોટી દુકાનો, ધંધા-વેપાર સાથે જોડાયેલ લોકો રહે છે, કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા એ ગામની વસ્તી છે 2731, ગામનો વિસ્તાર 0.75 સ્ક્વેર કી.મી. છે. એટલે કે એનું રેવન્યુ કહેવાય એ 75 હેક્ટરનું છે. ત્યાં એક્ટીવ જોબકાર્ડ હોલ્ડરો 894 છે, ત્યાં છેલ્લા ચાર વર્ષમાં 2040 જેટલા વિકાસના કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે. બીજી યોજના તો અલગ છે. 

એમાં 17.62 કરોડ રૂપિયાનું મટીરીયલ વપરાયું છે અને 46.96 એટલે કે 47 લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે એવા આંકડા છે. ત્રીજું ગામ છે કરા, જેની વસ્તી 1200 છે, ગામનું ક્ષેત્રફળ છે 2.47 સ્ક્વેર કી.મી. છે, ગામમાં એક્ટીવ જોબકાર્ડ હોલ્ડરો 478 છે, આ ગામમાં 1438 કામો થયા છે. ચાર વર્ષમાં જેમાં મટીરીયલ પાર્ટ લેખે 26.50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને લગભગ 25 લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે. આ માત્ર થોડા જ ગામના આંકડા છે મારી પાસે 26 ગામના આંકડા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news