15 વર્ષ સુધી બમણી આવક રળી આપશે જામફળની આ નવી અદ્દભૂત જાત, વિશેષતા જાણીને લાગશે નવાઈ!
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે છેલ્લાં એક દાયકાના સંશોધન બાદ જામફળ ફળમાં વિશેષ ઉચ્ચ ગુણવત્તા વાળા અને મબલક ઉત્પાદન આપતા લાલ બહાદુર જામફળ ની વિશેષ જાત વિકસાવવામાં આવી છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદની આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા જામફળમાં સંશોધન કરી પ્રતિ છોડ 35 કિલોથી વધુ ઉત્પાદન આપતા લાલ જામફળની નવી જાત લાલ બહાદુર જામફળ વિકસાવ્યા છે. જેનાં કલમી છોડ આવતી સીજનથી ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી ખેડૂતો જામફળની ખેતી કરી પંદર વર્ષ સુધી બમણી આવક મેળવી શકાશે.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે છેલ્લાં એક દાયકાના સંશોધન બાદ જામફળ ફળમાં વિશેષ ઉચ્ચ ગુણવત્તા વાળા અને મબલક ઉત્પાદન આપતા લાલ બહાદુર જામફળ ની વિશેષ જાત વિકસાવવામાં આવી છે. આ અંગે આણંદ કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક પટેલે કહ્યું હતું કે ગુજરાતમા ભાવનગર તરફ લાલ જામફળ થતા હોય છે. જેથી આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા લાલ જામફળ માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને એક દાયકાની મહેનત બાદ તેમાં સફળતા મળી છે.
આ જામફળ લાલ હોવાના કારણે તેને લાલ બહાદુર જામફળ નામ આપવામાં આવ્યું છે અને છેલ્લાં છ વર્ષના અખતરા જોવામાં આવતા લાલ બહાદુર જામફળમાં પહેલાં વર્ષથી ફળ આવવાનું ચાલુ થાય છે. અને ચાર વર્ષ બાદ એક છોડ પર અંદાજિત 35 કિલો ફળનો ઉતારો મળે છે. જો આ જાત ને ભાવનગર તથા ધોળકા તરફના વિસ્તારમાં વાવેતર કરવામાં આવે તો આ ઉત્પાદનમાં હજુ વધુ ઉતારો મળી શકે છે. તેમજ એક વાર વાવેતર કર્યા બાદ 15 વર્ષ સુધી સારો ઉતારો મળે છે. અને ત્યારબાદ ધીમધીમે ઉતારો ઘટતો જાય છે.
"રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયા પછી આ જાત મોટા પાયે વિકસાવવામાં આવશે અને આ જાતોના નવા બગીચા તૈયાર કરવામાં આવશે..આ જાત શ્રેષ્ઠ છે. જેનાથી ખેડૂતોને વધુ ઉપજ અને ઉત્પાદનનો લાભ મળશે, જે બદલામાં તેમને વધુ નફો મેળવવામાં મદદ કરશે. લાલ બહાદુર જામફળની વિશેષતા એ છે કે તેને કાપતા અંદરથી લાલ ગુલાબી રંગનો ગર નીકળે છે તે ખાવામાં મીઠો હોય છે. તેમજ તેમાં લાલ જામફળ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી પણ ભરપૂર છે. જામફળના છોડ પર જામફળના ગુચ્છા લાગે છે.
લાલ બહાદુર જામફળ કલમ કરવામાં આવે છે. જેનાથી સારી ક્વોલિટી મળે છે. આવતા વર્ષથી ખેડૂતો માટે આણંદ કૃષિ યુનિવર્સીટીના બાગાયત વિભાગની નર્સરીમાં લાલ જામફળના છોડ મળી શકશે. જેથી ખેડૂતો છોડ ખરીદીને ખેતી કરી સારુ ઉત્પાદન મેળવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે