)
Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદનાં બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાનાં કોંગ્રેસનાં પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસનાં મુસ્લિમ નેતા ઈકબાલ મલેક ઉર્ફે બાલોની મંગળવારે સવારે બાકરોલનાં ગોયા તળાવનાં વોકવે પર અજાણ્યા શખ્સોએ પેટ અને ગળાનાં ભાગે તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. અમદાવાદ પોલીસે હત્યા કરનાર બે આરોપીઓને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી વલ્લભવિદ્યાનગર પોલીસને હવાલે કરતા પોલીસે ગણતરીના કલાકોમા હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
તળાવ કિનારે લોહીથી લથપથ પડ્યા હતા નેતા
આણંદનાં બાકરોલ ખાતે રહેતા અને આણંદ નગરપાલિકાનાં પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસનાં અગ્રણી મુસ્લિમ નેતા ઈકબાલ ઉર્ફે બાલો યુસુફમિંયા મલેક મંગળવારે સવારે પોતાનાં ઘરેથી બાકરોલનાં ગોયા તળાવ પર વોકવે પર મોર્નીંગ વોક કરવા માટે ગયા હતા ત્યારે સવારે સાત થી આઠ વાગ્યાનાં સુમારે ઈકબાલ મલેક વોકીંગનાં બે રાઉન્ડ પુરા કરી ત્રીજો રાઉન્ડ મારી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કરી તીક્ષ્ણ હથીયારનાં ઘા ઝીંકી પેટ અને ગળાનાં ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ કરતા ઈકબાલ ઉર્ફે બાલો લોહીથી લથપથ થઈને ઘટના સ્થળેજ ફસડાઈ પડયા હતા અને તેઓનું મોત નિપજયું હતું. હત્યા કર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા,જે બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ ગણતરીનાં કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
નેતાઓ આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો
આરોપી ફૈઝલ ઈલ્યાસમિંયા મલેક અગાઉ બાકરોલ ખાતે રહેતો હતો, ત્યારે ઈકબાલ ઉર્ફે બાલોની ભત્રીજીને રસ્તામાં હેરાન કરતો હતો. તેમજ કોલેજનાં ગેટ બહાર ઉભો રહી પ્રપોઝ કરી દરરોજ હેરાન કરતો હતો. જે અંગે ભત્રીજીએ કાકા ઈકબાલ ઉર્ફે બાલોને વાત કરી હતી જેથી ઈકબાલ ઉર્ફે બાલોએ કોલેજનાં ગેટ પાસેથી ફૈઝલ ઈલ્યાસમિંયા મલેકને પકડી તેને મેથીપાક ચખાડયો હતો. આ બાદ તેનો વલ્લભવિદ્યાનગરનાં માર્ગો પર જાહેરમાં વરધોડો કાઢીને પોલીસ મથક સુધી લઈ ગયો હતો.
ફૈઝલ પોતાનું અપમાન ભૂલ્યો ન હતો
ત્યાર બાદ ફૈઝલ મલેકનો પરિવાર ઉમરેઠનાં સુરેલી ગામે રહેવા ચાલ્યો ગયો હતો, પરંતુ ફૈઝલ મલેકનાં માનસપટ પર આ ઘટના અંકિત થઈ ગઈ હતી અને તેનો જાહેરમાં વરધોડો કાઢી અપમાન કરાયું હોવાથી તેે આ સમગ્ર ધટના ભુલ્યો ન હતો અને બદલો લેવાની ફીરાકમાં હતો,અને તેણે પોતાનાં મિત્ર અયાન અલ્તાફભાઈ મલેક સાથે મળીને પોતાનું અપમાન કરનાર ઈકબાલ ઉર્ફે બાલોની હત્યા કરવાની યોજના ઘડી કાઢી હતી. અને ફૈઝલને ઇકબાલ ગોયા તળાવના વોકવે પર ચાલવા જતો હોવાની માહિતી હતી. તેમજ વહેલી સવારે લોકોની અવરજવર પણ ઓછી હોય છે. તેથી તેણે બાકરોલના ગોયા તળાવ પાસે હત્યા કરવાની યોજના ઘડી હતી.
હત્યા કરવા ઝાડીમાં છુપાયા હતા
યોજના મુજબ તે ગત રવિવારે પણ અયાન સાથે ગોયા તળાવ ઉપર હત્યા કરવાના પ્લાન સાથે આવ્યો હતો. પરંતુ તે દિવસે ઈકબાલ બહાર ગયો હોવાથી વહેલી સવારે ચાલવા આવ્યો ન હતો. જેથી અયાન અને ફૈઝલ સુરેલી પાછો ફર્યો હતો. ત્યારબાદ મંગળવારે સવારે આવ્યા હતા અને બાકરોલ ગામ જવાના રસ્તા પરના ગેટની કૂદીને તળાવના વોક વે પર ગયા હતા અને બંને જણા ત્યાં વળાંક પર સંતાઈ ગયા હતા અને જેવો ઈકબાલ ચાલતા ચાલતા આવતા જ ફૈઝલ મલેકે છરા વડે હુમલો કર્યો હતો અને ઈકબાલના ગળા પર જીવલેણ ઘા કર્યો હતો અને ત્યારબાદ બંને જણા ઈકબાલ પર તૂટી પડ્યા હતા અને પેટના ભાગે ગુપ્તી અને છરાના ઘા ઝીંક્યા હતા.
ગુપ્તી અને છરાના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ બંને જણા ગેટ કુદીને મોટર સાયકલ લઈને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ મોટરસાયકલ લઈને તેઓ અમદાવાદ ગયા હતા વલ્લભ વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓ અમદાવાદ જુહાપુરા તરફ ભાગ્યો હોવાની જાણ અમદાવાદ પોલીસને કરી હતી. જેથી અમદાવાદ પોલીસે ખાનગી બાતમીદારોની મદદથી જુહાપુરામાં હોસ્પિટલમાં સારવાર કરાવતા બંને આરોપીઓને ઝડપી પાડી વલ્લભ વિદ્યાનગર પોલીસને હવાલે કર્યા હતા.
અયાન તબેલામાં નોકરી દરમિયાન ફૈઝલને મળ્યો હતો
અયાનના માતા પિતા છૂટા પડ્યા હતા અને બંનેએ જુદી જુદી વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા જેથી અયાન એકલો પડ્યો હતો અને તે સુરેલી ગામમાં તબેલામાં નોકરી કરતો હતો. જ્યાંથી અયાનને ફૈઝલ સાથે મિત્રતા બંધાઈ હતી અને તબેલામાંથી અયાનને છૂટો કરી દેવાતા છેલ્લા એક સપ્તાહથી ફૈઝલ અયાનને પોતાના ઘરે લઈ આવ્યો હતો અને તેણે પોતાના હત્યાના કામમાં સાથ આપવાના બદલે તેને રહેવા જમવાની સુવિધા કરી આપવાની વાત કરી હતી. આમ વલ્લભ વિદ્યાનગર પોલીસે હત્યાનો ભેદ મૂકી ઉકેલી નાંખ્યો હતો. આરોપી અયાન મલેકની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી તેનાં ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.
જ્યારે ફૈઝાન મલેકને ઝપાઝપીમાં ઇજાઓ થઈ હોવાથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં તેના હાથની આંગળીઓનું ઓપરેશન કરી ત્રણ આંગળીઓ કાપી નાખી હતી અને ઓપરેશન બાદ પોલીસે તેની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી હતી