)
અમદાવાદઃ બંગાળની ખાડી અને મલાક્કામાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે સેન્યાર વાવાઝોડું આવવાનો ખતરો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડાની અસર આજથી જોવા મળી શકે છે. વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે. ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં આવો જાણીએ.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે દક્ષિણ અંડમાન સમુદ્ર પર નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આ કારણે સોમવારથી વાવાઝોડું સેન્યાર તીવ્ર બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 નવેમ્બરે અંડમાન સમુદ્ર પર ડિપ્રેશન બની શકે છે. હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ સાથે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. ગુજરાતમાં અત્યારે ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટા અંગે આગાહી કરી છે. તેમણે નવી આગાહીમાં કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત બની શકે છે. તારીખ 22 થી લગભગ ઠંડીનું પ્રમાણ ઘટવામાં છે. તારીખ 23 અને 24 નવેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. તેમજ મહતમ તાપમાન 29 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે. 25 અને 26 નવેમ્બરથી હવે ધીરે ધીરે લઘુત્તમ તાપમાન વધારો થતો જોવા મળશે. બે દિવસ પછી 36 ડિગ્રી આસપાસ થશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. સાગર કાંઠે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. હમણાં બેવડી ઋતુનો અનુભવ થશે.
આગાહી અનુસાર, ડિસેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે. વાદળવાયુ જણાશે અને 15 થી 17 ડિસેમ્બર આસપાસ વાદળ વાયુની શક્યતા રહેશે. આ દિવસોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠું થઈ શકે છે.