)
Vadodara News : સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં અસંસ્કારી હરકત સામે આવતા જ હોબાળો થયો છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કપલે હદ પાર કરી હતી. ચાલુ ગરબામાં કપલની લીપકિસનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે આ યુગલે પોલીસ સમક્ષ લેખિતમાં માફી માંગી છે.
કોણ છે આ કપલ
યુનાઈડેટ વે ગરબામાં લિપકીસ કરતા કપલની ઓળખ થઈ ગઈ છે. અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન એનઆરઆઈ કપલ નીકળ્યું છે. વિવાદ થયા બાદ NRI યુગલને પોલીસે માફીનામું લખાવી મુક્ત કર્યા છે. હવે આજે આ કપલ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, ગત વર્ષે પણ યુનાઇટેડ વે ગરબામાં આવો જ અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.
ગયા વર્ષે પણ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં લિપકિસ રીલ બનાવી હતી
આ કપલે ગયા વર્ષે પણ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં આ પ્રકારની લિપકિસ રીલ મૂકી હતી, જે યુવકના સોશિયલ મીડિયા પેજ પર જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ આ પ્રકારની લિપકિસ રીલ બનાવીને તે સોશિયલ મીડિયા પર મૂકે છે.
ગરબા એટલે ગુજરાતની ગરિમા અને જો એમાં પણ વડોદરાની વાત કરવામાં આવે તો સંસ્કારી અને સાંસ્કૃતિક નગરી વડોદરા અને ગરબા બંને એક બીજાના પર્યાય છે. ત્યારે આ જ શહેરના એક યુગલે યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર અછાજતું વર્તન કરતા સંસ્કારી નગરી સાથે સાથે ગરબાની ગરિમાને પણ લાંછન લાગ્યું છે. જેના કારણે રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરા શહેરના ગરબા સમગ્ર વિશ્વમાં વખણાય છે, ત્યારે કેટલાક બેજવાબદાર લોકો અને આયોજકોના કારણે આ આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિ દિવસેને દિવસે વિવાદનું કેન્દ્ર બિંદુ બનતી જાય છે. વડોદરા શહેરમાં યોજાતા ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડ પર પણ કંઈક એવું જ થયું. એક તરફ ગરબા રમવા ખેલૈયાઓ થનગની રહ્યા હતા, દરમિયાન ગ્રાઉન્ડ પર હાજર એક યુગલે અશ્લીલ હરકત કરતા, ત્યાં આસપાસ ઉભેલા સૌ ખેલૈયાઓ શરમમાં મુકાઈ ગયા હતા, આ યુગલે ગરબાની ગરિમાને નેવે મૂકી જાહેરમાં અશ્લીલ હરકત તો કરી જ, સાથે જ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હિન્દુ સંગઠનો અને ધર્મગુરુઓ રોષે ભરાયા છે.
વકીલે કપલ સામે ફરિયાદ કરી, કોણ છે કપલ
તો વળી બીજી તરફ એડવોકેટ ભાવિન વ્યાસ ફરિયાદ આપવા માટે અટલાદરા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા, એડવોકેટ ભાવિન વ્યાસે યુવક યુવતી વિરુદ્ધ અરજી આપતા જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં જે યુગલ દેખાઈ રહ્યું છે તે રુચિ પટેલ અને પ્રતિક પટેલ છે, આ યુગલ વડોદરાના સમા સાવલી રોડ પર રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યારે બંને વિરૂદ્ધ BNS કલમ 296,353 હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે.
આયોજકોએ પ્લેયર પાસ કેન્સલ કર્યા
ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈ દીકરો કે દીકરી રાત્રે ગરબા રમવા જાય ત્યારે માતા પિતાને સતત તેમની ચિંતા સતાવતી હોય છે, તેવામાં બેશરમ યુગલો દ્વારા કરવામાં આવતી આ પ્રકારની હરકત ક્યાંકને ક્યાંક સામાજિક વ્યવસ્થાના પાયાને ખોખલા કરી નાખતી હોય છે. અશ્લીલ વીડિયો મામલે યુનાઇટેડ વેના આયોજક અને ચેરમેન તારક પટેલે કહ્યું કે અમે આ ખેલૈયાઓના પ્લેયર પાસ રદ કરી નાખીએ છીએ. તેમને મેદાનમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ આયોજકે ખેલૈયાઓને પવિત્ર ગરબામાં અછાજતું વર્તન ન કરવા માટે અપીલ પણ કરી છે.
ભગવા સેનાની પ્રતિક્રીયા
નવરાત્રિ દરમિયાન આમે આવેલી વિવિધ ઘટનાઓને લઈને ભગવા સેનાની પ્રતિક્રીયા આવી છે. વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં વાયરલ થયેલ કપલની ચુંબનની રિલ્સ પર પ્રતિક્રિયા આપતા ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું કે, આવા લોકો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ. એ કપલે જો આવું કરવું હોય તો ધર્મ બદલી લે. આવું ચાલશે તો આવનાર દિવસોમાં ગરબા જ નહીં થાય. તેમજ આયોજકો સામે પણ પગલાં ભરવા જોઈએ.
ઉલ્લેખનીય બાબત છે કે જેમ ગરબા અને વડોદરા એક બીજાના પર્યાય છે તેમ યુનાઈટેડ વે અને વિવાદ બંને એક બીજાના પર્યાય છે. ગ્રાઉન્ડ પરની વ્યવસ્થાથી માંડી મર્યાદાના મુંડન સુધીના તમામ વિવાદો આ ગરબા ગ્રાઉન્ડ સાથે સીધા જોડાયેલા છે. ત્યારે હવે પોલીસ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અશ્લીલ હરકત કરનાર યુગલ તેમજ આયોજકો સામે કાયદાકીય પગલા ભરે તે અનિવાર્ય બન્યું છે.