)
Banas Dairy: એશિયાની સૌથી મોટી બનાસડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા આજે પાલનપુરના બાદરપુરા સ્થિત બનાસ ઓઈલ મિલ ખાતે હજારો પશુપાલકોની વિશાળ હાજરીમાં યોજાઈ હતી. આ સભામાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં દૂધના ખરીદ ભાવમાં 20% નો જંગી વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાના કારણે બનાસડેરી ૨,૯૦૯.૦૮ કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવશે, જેમાંથી ૨,૧૩૧.૬૮ કરોડ રૂપિયા બનાસડેરી દ્વારા અને બાકીના ૭૭૮.૧૨ કરોડ રૂપિયા દૂધ મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે.
લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી
આ જાહેરાતથી જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, "અમેરિકા ભારત પર પોતાનું દૂધ વેચવા માટે દબાણ કરી રહ્યું છે, જો આ દૂધ ભારતમાં આવે તો આપણો સ્થાનિક ડેરી ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગે. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગત જમાદાર સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં દ્રઢ નિર્ણય લીધો કે અમેરિકાનું દૂધ ભારતમાં નહીં આવે."
પશુઓની સંખ્યા વધારવાને બદલે તેમની નસલ સુધારવાની જરૂરિયાત પર મૂક્યો ભાર
શંકર ચૌધરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું કે સરકાર તરફથી બનાસડેરીને વિવિધ યોજનાઓ હેઠળ 69 કરોડ રૂપિયાની સહાય મળી છે. તેમણે દૂધ ઉત્પાદન વધારવા માટે ફક્ત પશુઓની સંખ્યા વધારવાને બદલે તેમની નસલ (બ્રીડ) સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે બનાસડેરી 90% વાછરડીઓ જ પેદા થાય તેવા અદભુત કામ કરી રહી છે.
1.70 લાખ મહિલા પશુપાલકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા!
વહીવટમાં પારદર્શિતા લાવવા માટે થયેલા પ્રયાસો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "આપણે 100% મંડળીઓને ઓનલાઈન કરી દીધી છે, જેનાથી પશુપાલકો તેમના દૂધ અને નાણાકીય વ્યવહારોની માહિતી પોતાના મોબાઈલ પર જોઈ શકે છે." તેમણે દૂધની ચોરી અટકાવવા માટે આગામી મહિના સુધી તમામ દૂધ ટેન્કરોને જીપીએસ ડિજિટલ ઈ-ટ્રેકિંગ સિસ્ટમ સાથે જોડવાની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે 1.70 લાખ મહિલા પશુપાલકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
"બનાસડેરીએ જાપાનની 'TQM' સિસ્ટમ અપનાવી છે: શંકર ચૌધરી
શંકર ચૌધરીએ બનાસડેરીની ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતી આપતા કહ્યું કે, "બનાસડેરીએ જાપાનની 'TQM' સિસ્ટમ અપનાવી છે, જેણે ડેરીને ૧૨૪ કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે." તેમણે જણાવ્યું કે ભારતમાં પહેલી વાર બનાસડેરીએ બટાકાના બિયારણ (પોટેટો સિડ) બનાવવાનું કામ શરૂ કર્યું છે અને આગામી બે વર્ષમાં ખેડૂતોને તેનું વિતરણ શરૂ કરવામાં આવશે. તેમણે પ્રોબાયોટિક બેક્ટેરિયામાંથી છાશ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસો વિશે પણ વાત કરી.
આ સભામાં લેવાયેલા નિર્ણયો અને ચેરમેન શંકર ચૌધરીની દૂરંદેશીતાએ બનાસડેરીને ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર દેશમાં એક અગ્રણી ડેરી તરીકે સ્થાપિત કરી છે.