)
Banaskantha News : કળિયુગ જ આવ્યો હશે, તો જ નાકે નાકે આજે માનવીય સંબંધોની ભવાઈ ભજવાઈ રહી છે. એવી ઘટનાઓની બની રહી છે કે, રુંવાડા ઉભા કરી દે. માનવતા લજવાઈ જાય, પણ માનવોને શરમ આવતી નથી. આવો જ મમતાને લજવતો કિસ્સો ગુજરાતના છેવાડાના બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે. પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા અને માતાએ બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી.
આ ઘટના વાંચીને ભલભલાનું કાળજું કંપી ઉઠશે. અઠવાડિયા પહેલા દિયોદરના મકડાલા ગામની પરણિત મહિલા ગુમ થતા તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાણોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપી પાડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ બાદ મહિલાના પરિવારને બોલાવ્યો હતો.
જોકે, રડાવી દેતી કહાની તો હવે શરૂ થાય છે. મહિલાને લેવા માટે ન માત્ર તેના સાસરીવાળા, પરંતુ તેના બે સંતાનો પણ આવ્યા હતા. સમજતા ઉમરના થયેલા એક દીકરી અને એક દીકરો, જેઓને એટલું તો સમજાયું કે મમ્મી ઘર જોતીને જઈ રહી છે. તેથી પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા. રડી રડીને મમ્મીને મનાવતા રહ્યાં. સંતાનોના આસું ન સૂકાયા, પરંતું માતા પેટ જણ્યા બંને બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી.
બે બાળકોની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરછોડ્યાનો જે વીડિયો આવ્યો છે, તે કાળજું કંપાવી દે તેવો છે. મમ્મીને મનાવવા તેના બાળકો હાથ પગ જોડીને રડતા રડતા આજીજી કરતા રહ્યા, પણ નિષ્ઠુર મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ. બાળક અને પતિ સાથે રહેવા ના માંગતી હોવાનું પરિણીતાએ સતત રટણ કર્યું હતું.
ઉપરથી આ ઘટના સાથે જોડાયેલો બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલા તેના બાળકોને રડતા તરછોડીને તેના પ્રેમી સાથે નાણોટા ગામ જતા પ્રેમીના પરિવારે મહિલાને નવી દુલ્હનની જેમ વધાવી આવકારી હતી. એક તરફ મહિલાનો નવા ઘરમાં પ્રવેશ અને બીજી તરફ, મમ્મી વિનાના ઘરમાં એ બાળકોના દિવસો કેવા વીતતા હશે.
કાળજું કંપાવી મૂકે તેવા હૃદય દ્રવી વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા મહિલા અને તેના પ્રેમી ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો.