Thakor Community: આજે 4 જાન્યુઆરી, 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પવિત્ર ઓગડધામ (થળી) ખાતે ઠાકોર સમાજ માટે એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આયોજિત 'બંધારણ મહાસંમેલન'માં સમાજના ઉત્કર્ષ માટે 16 મુદ્દાઓ સાથેનું નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું છે.
સ્ટેજ પર કોઈ ખુરશી નહીં, સૌ સમાન
આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે સ્ટેજ પર કોઈ વીઆઈપી સંસ્કૃતિ જોવા મળી ન હતી. કોઈ પણ મહેમાન માટે ખુરશી કે સોફાની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. ગેનીબેન ઠાકોર સહિતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકની જેમ જમીન પર ગાદલા પર બેઠા હતા, જે સમાજમાં એકતા અને સમાનતાનો સંદેશ આપે છે.
ગેનીબેન ઠાકોરની મોટી જાહેરાત
જેમ વિધાનસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરે, તેમ સાંસદ ગેનીબેન ઠાકોર સમાજનું નવું બંધારણ લઈને મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના હિત માટે પોતાની માલિકીની એક વીઘો જમીન આપવાની જાહેરાત કરી હતી. આ પગલાને સમાજના લોકોએ હર્ષનાદ સાથે વધાવ્યું હતું.
નેતાઓના મુખ્ય સંબોધન:
ચંદનજી ઠાકોર: તેમણે આહવાન કરતા જણાવ્યું કે, "ભલે બે પાર્ટીઓને જતી કરજો, પણ સમાજના આ બંધારણને ક્યારેય તોડતા નહીં."
બળદેવજી ઠાકોર: તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ ભાજપ કે કોંગ્રેસની મિટિંગ નથી, પણ સમાજની વાત છે. તેમણે ઉમેર્યું, "જો પાટીદાર, ચૌધરી અને દલિત સમાજ સંગઠિત થઈ શકતા હોય, તો આપણે કેમ નહીં? આપણે દર મહિનાની 4 તારીખે ભેગા થઈને સમાજના પ્રશ્નો ચર્ચવા જોઈએ."
જગદીશ ઠાકોર: પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સમાજની એકતા પર ભાર મૂક્યો હતો.
શું છે આ નવા બંધારણમાં? (મુખ્ય મુદ્દાઓ)
છેલ્લા 15 દિવસથી 27 તાલુકાના પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોએ રાત-દિવસ એક કરીને 16 મુદ્દાઓનો મુસદ્દો તૈયાર કર્યો છે, જેનો મુખ્ય હેતુ નીચે મુજબ છે
1. લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચ પર રોક: દેખાદેખીમાં થતા ખર્ચને કારણે પરિવારો દેવાદાર બને છે અને જમીનો વેચવાની નોબત આવે છે, તેને અટકાવવી.
2. શિક્ષણ પર ભાર: લગ્નમાં બચાવેલા પૈસા બાળકોના ઉચ્ચ શિક્ષણ પાછળ વાપરવા.
3. કુરિવાજોની નાબૂદી: મરણ પાછળના ખોટા ખર્ચ અને અન્ય બિનજરૂરી સામાજિક રિવાજો બંધ કરવા.
4. વ્યસનમુક્તિ: સમાજને વ્યસનમુક્ત બનાવી સમૃદ્ધિ તરફ લઈ જવો.
વિશાળ જનમેદની અને આયોજન
દિયોદરના ઓગડધામમાં લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પોતાના વાહનો સાથે અને પગપાળા પહોંચ્યા હતા. સમાજના સભ્યો માટે ભોજન અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બંધારણ માત્ર બનાસકાંઠા પૂરતું મર્યાદિત ન રહેતા, આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ તેને અપનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સંમેલન એ સાબિત કરે છે કે જ્યારે સમાજ જાગૃત થાય છે, ત્યારે તે રાજકારણથી ઉપર ઉઠીને પોતાના સુધારા માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ શકે છે.
જે બંધારણ બનાવવામાં આવ્યું તેના મુદ્દા નીચે મુજબ છે...
૧) સગાઈ પ્રસંગ
- સગાઈમાં પુરૂષ અને મહિલા મળી ૨૧ વ્યકિતએ જવું તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં.
સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહી.
'સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણાં પ્રથા બંધ કરવામાં આવે છે.
- સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે એક જોડી કપડાં લઈ જવા.
→ જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા) જવાની પ્રથા હોય તો બંધ કરવી.
(૨) લગ્નની તારીખો નકકી કરવા બાબત
વર્ષમાં બે માસમાં જ લગ્ન કરવા
(૧) વૈશાખ સુદ ૧ (એકમ) થી ૧૫ (પુનમ) સુધી
(૨) મહા સુદ ૧ (એકમ) થી ૧૫ (પુનમ) સુધી
ખાસ સંજોગોમાં અરજન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહી.
(૩) લગ્ન લખવાના પ્રસંગ
લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે.
લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી સાદું કાર્ડ રાખવુ હોય તો રાખી શકાશે
મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે.
સામાજીક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી.
નારાજગી રાખવી નહી.
(૪) જાન લઈ જવાના પ્રસંગ
જાનમાં સનરુફ ગાડી લઈ જવી નહી.
જાનમાં ૧૧ (અગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહી.
જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહી.
જાનમાં મહિલા અને પુરૂષો મળી વધુ મા વધુ ૧૦૦ વ્યકિતઓ જઈ શકાશે.
૧૦ વર્ષથી ઉપરની ઉંમર વ્યકિત ગણાશે.
જાનનો વરઘોડો-મામેરૂ કે જાનમાં ડીજે લઈ જવું નહી.
→ જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જઈ શકાશે.
જાનમાં શરણાઈ વગાડી શકાશે.
(૫) સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ)
બુટી, મંગળસુત્ર, પગની ઝાંઝરી, અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી.
લગ્ન પ્રસંગે હલ્દી સમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહી.
(૬) જમણવારનો પ્રસંગ
જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ લીલી શાકભાજી, રોટલી / રોટલા / પુરી અને છાશ રાખી શકાશે. અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી.
7) મામેરાનો પ્રસંગ
→ મામેરામાં મહિલા અને પુરૂષો સાથે વધુમાં વધુ ૧૦૦ ની સંખ્યા લઈ જઈ શકાશે.
મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના ૧૧ વાહનો લઈ જઈ શકાશે.
→ મામેરામાં કપડાની ઓઢામણા પ્રયા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.
→ મામેરામાં ઓછામાં ઓછા ૧૧ (અગિયાર હજાર) અને વધુમાં વધુ ૧૫૧૦૦૦/-એક લાખ એકાવન હજાર)
- રોકડમાં મામેરૂ ભરવાનું રહશે.
→ મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહી.
(૮) પુરગત મુકવાનો પ્રસંગ
પુરગતમાં વાટલું, લોટો, બેડું અને ફકત રસોડા સેટ આપવાનો રહેશે.
- ભેટ (ગીફટ) કે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
બંધારણને ફોટાથી મઢાવીને (લેમીનેશન) વાળી એક કોપી ભેટમાં આપવી તેનાથી બંધારણ મજબુત થશે.
(૯) આંણાનો પ્રસંગ
→ કન્યાને તેડવા જવાનો (આંણું મુકવાનો) રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે. → કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યકિત આવીને તેના પીચરમાં મુકી જવાની રહેશે.
(૧૦) બોલામણા પ્રયા
બિમારી પ્રસંગે રાવણાં અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રયા બંધ કરવામાં આવે છે.
(૧૧) ટુંટ - જન્મદિવસ પ્રસંગ
→ ઢુંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી.
→ જન્મ દિવસની બચર્ડ પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહી.
જન્મ દિવસની ખુશી પેટે જેતે વ્યક્તિએ નજીકની સમાજની લાઈબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકાશે.
(૧૨) છુટા છેડા બાબત
→ સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દિકરા-દિકરીને સામ સામે જોયા પછી સગું નકકી કરવું તેમ છતાંબંને પક્ષોએ કોઈપણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પુરો પ્રયત્ન કરવો પ્રયતન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણદોષના આધારે નીચે પ્રમાણેનો વહેવાર કરવાનો રહેશે.
-- (૧) સગાઈ રૂા. ૫૧૦૦૦ (એકાવન હજાર) પર ટકા (અડધી) રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજીયાત આપવાની રહેશે.
(૨) લગ્ન કર્યા પછી રૂા. ૨૦૦૦૦૦ (બે લાખ) ૫૦ ટકા (અડધી) રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજીયાત આપવાની રહેશે.
(3) લગ્ન પછી સંતાન હોય તો રૂા. ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) આપવાના રહશે. આ રકમ ૧૦૦ ટકા પુરેપુરી બેંકમાં એફ ડી(ફીકસ ડીપોઝીટ) સંતાન દિકરા કે દિકરીના નામે કરવાની રહેશે.
(૧૩) મૈત્રી કરાર
→ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવું નહી.
(૧૪) અન્ય બાબતો
સમાજના કોઈપણ સારા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી-અફીણ ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.
લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથી, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઈબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા ૫૦૦ (પાંચસો) રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે.
(૧૫) મરણ પ્રસંગ
→ મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈપણ વસ્તુ વાપરી શકાશે નહી.
→ બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો
(૧૬) ખાસ વિનંતી
→ દરેક ગામમાં ફુટ (કુટુંબ) વાઈઝ વ્યકિતઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતીને આપવી.
. દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી જેથી કરીને બંધારણના મુદાઓનો અમલ કરાવી શકાય સમિતીની સાભ્ય સંખ્યા ૨૧ કે ૩૧ રાખવી.
'સમાજ વ્યસન મુકત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતીઓએ કરવા. દર વર્ષે ૪ જન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો રહેશે અને બંધારણના નિયમોની સમીક્ષા કરવાની રહશે.