)
Bharuch Flood Alert : ભરૂચ ગોલ્ડનબ્રિજે નર્મદાનું જળસ્તર વોર્નિગ લેવલ 22 ફૂટ વટાવીને 24 ફૂટ ભયજનક સપાટી પાર કરી છે. 22 ફૂટે વોર્નિંગ લેવલ અને 24 ભયજનક સપાટી છે. હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 24 ફૂટે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં 5 લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આવતીકાલે 6 સપ્ટેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. સંભવિત પૂર અને વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જેના પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપિયા તરીયા, ધન્તુરિયા, કાંસિયા, બોરભાઠા બેટ, ભાઠા, સક્કર બોરભાઠા, અને ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી તેમજ બહુચરાજી ઓવારા પર રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ માછીમારોને નદી નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે. જો 24 ફૂટની ઉપર સપાટી જાય તો ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 14 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સરદાર સરોવર ડેમના લેટેસ્ટ અપડેટ
ઉપરવાસમાં વરસાદ ઓછો થતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે. 419055 ક્યુસેકથી ઘટાડી 381955 કરાયું છે. થોડા સમય બાદ સરદાર સરોવરમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાશે.
સરદાર સરોવર નર્મદા ડેમ 136 મીટર પાર
નર્મદા ડેમની સપાટી 136 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
27 ગામોને હાઈએલર્ટ
મધ્યપ્રદેશના 3 ડેમોમાંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 5.30 લાખ ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ, ડેટ અને કેનાલ મારફતે 4.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 44 સેમીનો વધારો નોંધાયો છે. ધીરે ધીરે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જોકે પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા 2019 માં ખુલ્યા હતા, ત્યાર બાદ 2020 માં 23 દરવાજા ખોલવામાં આવ્યા 2022 માં 23 દરવાજા અને 2023 માં 23 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે પુર આવ્યું હતું અને હાલ 2025 માં આજે 23 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ઉપરવાસમાંથી સતત જો પાણીની આવક રહેશે તો ફરી 2025 માં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે આજે સવારે 11 વાગ્યા બાદ પાણીની આવક કરતા જાવક ઓછી કરતા પૂરની કોઈ શક્યતા દેખાતી નથી.