)
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આગામી દિવસોમાં મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કામના ભાગરૂપે આગામી 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવશે. હાલ પણ પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી બેઠવી પડી રહી છે.
ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને આગામી 100 દિવસ માટે બંધ રાખવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તેથી હવે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પરથી દોડાવવામાં આવશે. જોકે, મુસાફરોની ચિંતા એ છે કે, પ્લેટફોર્મ નંબર 6 પર પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ હજુ સુધી પૂર્ણપણે ઉપલબ્ધ નથી. હાલમાં જ પ્લેટફોર્મ 6 પરથી મુસાફરી કરી રહેલા યાત્રીઓ આ સુવિધાઓના અભાવે પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે.
અસુવિધા અહીં જ પૂરી થતી નથી. સ્ટેશનના આધુનિકીકરણના કામને કારણે સુરત તરફના વિસ્તારમાં પ્લેટફોર્મ 6 સુધી પહોંચવાનો રસ્તો પણ હજુ વિકસિત થયો નથી. જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલી અને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સંજોગોમાં, પ્લેટફોર્મ 4 અને 5 બંધ થવાથી અને ટ્રેનો સુવિધા વગરના પ્લેટફોર્મ 6 પરથી દોડવાના કારણે, મોટી સંખ્યામાં મુસાફરોને આગામી 100 દિવસ સુધી ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્લેટફોર્મ 6 પર જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે.