રાજકોટ શિક્ષણ જગતમાં ભૂકંપ : શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામાં લઈ લેવાયા
Education News : રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભૂકંપ સર્જાયો... તમામ સભ્યોએ પદ પરથી આપ્યા રાજીનામા... ગઈકાલે પ્રદેશ પ્રમુખે તમામ સભ્યો સાથે કરી હતી બેઠક...
Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહીત 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. આંતરિક જૂથવાદના લીધે રાજીનામાં લેવામાં આવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મહત્વની વાત એ છે કે આ સભ્યો પોતાની પાંચ વર્ષની ટર્મ પણ પૂરી કરી શક્યા નહિ અને અધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યા છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહીત 15 સભ્યોના આજે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ પરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી શહેર ભાજપ પ્રમુખ અને શિક્ષણ સમિતિના સભ્યો વચ્ચે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો હતો. આંતરિક જૂથવાદ વધી જતા ગઈકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ શહેર પ્રમુખ, મેયર, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓની પ્રદેશ પ્રમુખની અદ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકના બીજા જ દિવસે એકાએક રાજીનામાં લઇ લેવામાં આવતા રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે
ભારતીય જનતા પાર્ટી શિસ્તબધ પાર્ટી છે. આજે પાર્ટીના આદેશ મુજબ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન સહીત તમામ સભ્યોએ સામુહિક રાજીનામાં આપી દીધા છે. કોઈ જૂથવાદ કોઈ ફરિયાદ કે કોઈ નારાજગી નથી માત્ર પ્રદેશની સૂચના આધારે તમામના રાજીનામાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં પાર્ટીની સૂચના મુજબ નવી ટિમની જાહેરાત કરવામાં આવશે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું કે, અમારી પાર્ટીનો આદેશ છે અને અમે પાર્ટીના કાર્યકર્તા છીએ માટે પાર્ટીનો આદેશ અમને સીરો માન્ય હોય છે. પાર્ટી જે જવાબદારી સોંપવામાં આવે તે નિભાવવાની હોય છે આજે રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું માટે તમામ સભ્યો સાથે અમે અમારી આખી ટીમે રાજીનામુ આપ્યું છે. કોઈ નારાજગી નથી કોઈ જૂથવાદ નથી પાર્ટીની સૂચના મુજબ અમે રાજીનામાં આપ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યો મળી કુલ ૧૫ના રાજીનામા લેવાયા છે જેમાં ચેરમેન-અતુલ પંડિત, વાઇસ ચેરમેન-સંગીતા બેન છાયા,કિશોર પરમાર,વિજય ટોળીયા,રવિ ગોહેલ,કિરીટ ગોહેલ,તેજસ ત્રિવેદી,જે.ડી.ભાખડ,શરદ તલસાણીયા,અશ્વિન દુઘરેજીયા,ધર્ય પારેખ,ફારૂખ બાવાણી,પીનાબેન કોટક,જાગૃતિબેન ભાણવડિયા અને મેઘાવી સિંધવ સહિતના નામનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી સહિત તેના તમામ મંત્રી મંડળના રાજીનામા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બીજી એવી ઘટના હશે કે શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા. એક સાથે તમામના રાજીનામાં લેવાતા રાજકોટમાં અત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.