)
Ahmedabad News : અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. આ શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા. મૃતક નયનને એક અઠવાડિયા પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી, જેનો આરોપી સગીર બદલો લેવાની ફિરાકમાં હતો. આરોપી છેલ્લા એક સપ્તાહથી પેપર કટર લઈને સ્કૂલે આવતો હતો, જો કે આ મુદ્દે શાળાના શિક્ષકો માહિતાગર હોવા છતાં કોઈ પગલા ન લીધા અને અંતે આરોપી સગીરે નયન પર હથિયારથી હુમલો કરીન મોતને ઘાટ ઉતાર્યો.
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ધોરણ 10ના એસ.એસ.સીના વિદ્યાર્થી નયનની હત્યા બાદ આજે પણ સ્કૂલ બહાર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. NSUIના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો જો કે પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. સ્કૂલ બહાર વિરોધ કરનારા લોકોની અટકાયત કરાઈ. સ્કૂલની અંદર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે હિન્દુ સંગઠનોએ મણિનગર બંધનું એલાન આપ્યુ. હિન્દુ સંગઠનોએ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી. સિંધી માર્કેટના વેપારીઓએ દુકાન બંધ રાખી હતી. જો કે મણિનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક દુકાનો ચાલુ જોવા મળી. મણિનગર વિસ્તારની અન્ય શાળાઓમાં પણ આજે રજા આપી દેવાઈ.
વિદ્યાર્થીએ કરી હતી વિદ્યાર્થીની હત્યા
મણિનગરની સેવન્થ ડે સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને સારવાર દરમિયાન મોત થયું. હત્યા કરનાર વિદ્યાર્થીએ તેની પાસે રહેલા બોક્સ-કટરથી હુમલો કરી દીધો હતો એટલે જોતજોતામાં જ પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો. વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં કણસતો જોઈને હુમલાખોર વિદ્યાર્થી ભાગી ગયો હતો. આ કેસમાં શિક્ષકોની બેદરકારી બાદ સ્થાનિક પોલીસની પણ મોટી ભૂલ સામે આવી છે, કારણ કે તેમણે પણ શરૂઆતના તબક્કે તપાસમાં ગંભીરતા ન દાખવી. બુધવારે લોકોએ શાળામાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા આવ્યા છે. હત્યામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીરની સંડોવણી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લીધા છે. સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ, મૃતકના પરિવારજનો અને પ્રત્યેકદર્શીના નિવેદન લીધા હતા. હત્યા કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલ વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન પોતાની પાસે રાખતો હતો. એ જ કટર કિચનથી 15 વર્ષીય નયનની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. કટર કિચન જે નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર છે.
એટલું જ નહિ, આ કેસમાં પરિવારજનો અને સ્કૂલના વાલીઓ કરેલા આક્ષેપને લઈને ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સિપાલની પૂછપરછ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાના સંઘર્ષમાં રહેલ બે સગીરની પૂછપરછ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલમાં બે જૂથવાદનો વિવાદ ચાલતો હોવાનું પણ ખૂલ્યું છે. 13 ઓગસ્ટના રોજ મૃતકના પિતરાઈ સગીર ભાઈ સાથે હત્યા કરનાર સગીર ઝગડો થયો હતો. આ ઝઘડામાં મૃતક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કાયદાના સંઘર્ષમાં રહેલ સગીરના પિતા પણ 20 વર્ષ અગાઉ ચોરીના કેસ પકડાયા હતા. હત્યા કરનાર સગીરના પિતા મૂળ રાજસ્થાન છે, જમાલપુર વિસ્તારમાં પતંગનો વ્યવસાય કરે છે. હત્યા કરનાર સગીર શાહઆલમ તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે. હત્યા કરનાર સગીર પહેલથી સ્વેન્થ ડે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. જ્યારે કે, હત્યામાં મદદ કરનાર સગીર ચાર મહિના પહેલા જ સ્વેન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરવા આવ્યો હતો. અને તેના પિતાનું ચાર મહિના પહેલા જ અવસાન થયું છે. હત્યામાં મદદ કરનાર સગીર અગાઉ સેટેલાઈટની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બંને સગીરને કાલે જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવશે.
સ્થાનિકોએ વેપાર ધંધા બંધ રાખ્યા
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હત્યાના વિરોધમાં મણિનગર, કાંકરિયા અને ઈસનપુરની શાળાઓ બંધ છે, સાથે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ પાણીને વિરોધ દર્શાવ્યો. રાજરત્ન માર્કેટ, સિંધી માર્કેટ, ગોપાલ ટાવર અને ક્રિષ્ના કોમ્પલેક્ષ સહિતની 1500થી વધુ દુકાનો સ્વયંભૂ બંધ કરી હતી. હત્યા કેસમાં પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આ હત્યાના વિરોધમાં વેપારીઓ મણિનગર રેલવે ક્રોસિંગથી ઈસનપુર અને ખોખરામાં રેલી યોજી. લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા અને જસ્ટિસ ફોર નયન લખેલા બેનરો દર્શાવીને ન્યાયની માંગ કરી હતી.
વિસ્તારની શાળાઓ બંધ
અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે મણિનગર અને ખોખરા વિસ્તારની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું. શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવ્યા હતા. તો તકેદારીના ભાગરૂપે દરેક શાળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવા DEOએ સૂચના આપી. તો અમદાવાદની તમામ શાળાઓ માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પરિપત્ર જાહેર કર્યો.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની Z 24 કલાક સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, સમગ્ર ઘટનામાં એક કરતા વધુ બાબતોમાં સ્કૂલની દેખીતી બેદરકારી છે. હાલ સ્થાનિથી લઈ રાજ્ય સરકાર સુધી ઘટનાની ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરાઈ રહી છે. શાળામાં કથિત ગુનાહિત પ્રવૃતિ અંગે એક પણ વાલીની અમને કોઈ જ સત્તાવાર ફરિયાદ મળી નથી. વાલીઓને પણ વિનંતી છે કે આવું ધ્યાનમાં આવે અને સ્કૂલ સહકાર ન આપે તો અમને રજૂઆત કરો. અમે તેઓને પણ શો કોઝ નોટિસ આપી તેમની NOC કેમ રદ ન કરવીએ પૂછીશું
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદે આજે મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો સ્કૂલ ખાતે પહોંચ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ‘ન્યાય કા દિપ જલાના હૈ બચ્ચો કા ભવિષ્ય બચાના હૈ...’ તેવા પોસ્ટર સાથે રાખીને NSUIએ વિરોધ નોંધાવ્યો. NSUIના કાર્યકરોએ તાળાબંધીનો કોલ આપ્યો હતો પરંતુ શાળાની તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. હત્યાની ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. શાળા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો અને શાળા સંચાલકો તેમજ આરોપી સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.
સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે થયેલી બબાલ અને તોડફોડ તેમજ મારામારી મુદ્દે સ્કૂલના એડમિને પોલીસ ફરિયાદ નોંધાવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ટોળાએ તોડફોડમાં 15 લાખનું નુકસાન કર્યાનો આરોપ લાગ્યો,,આ સાથે સ્ટાફ સાથે મારામારી કર્યાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે.