અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારનું પહેલું પગલું, 3 આશ્રમોને જમીન ખાલી કરવા નોટિસ અપાઈ
Olympic 2036 In Gujarat : ગુજરાતમાં 2036ના ઓલિમ્પિકના આયોજન માટે તૈયારી પૂરજોશમાં... : મોટેરામાં આસારામ આશ્રમ સહિત ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા કલેક્ટરની નોટિસ
Trending Photos
Ahmedabad Property Market અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની જે જમીન પર ઓલિમ્પિક રમાનાર છે, તેને ખાલી કરવા માટે કલેક્ટર દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આસારામ આશ્રમ સહિત 3 સંસ્થાને કલેક્ટર દ્વારા જમીન ખાલી કરવા હુકમ કરાયો છે. મોટેરાના આશ્રમમાં શરત ભંગ થતા 33.980 ચો.મી જમીન પરત લેવાશે. અન્ય બે સંસ્થાની 93 હજાર ચો.મી જમીન પરત લેવાશે. અમદાવાદના આશારામ આશ્રમ, સદાશિવ પ્રગ્ના મંડળ, ભારતીય સેવા સંઘને સરકારે ફાળેવલી જમીન શરત ભંગ કરેલ હોવાથી પરત લેવા હુકમ કરવામાં આવ્યો છે.
આસારામ આશ્રમની જમીન 33,980 ચોરસ મીટર, ભારતીય સેવા સંઘની 80,940 ચોરસ મીટર અને સદાશિવ પ્રગ્ના મંડળની 12,207 ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓને શરત ભંગની નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય રજૂઆત અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ ગત 4 એપ્રિલના રોજ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરવામાં આવેલ છે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદના જિલ્લા કલેક્ટર અને AUDAના CEO મળીને જમીન સંપાદન કરવા માટે કામ કરી રહ્યા છે. AUDA એટલે અમદાવાદ અર્બન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. આ સંસ્થા શહેરના વિકાસ માટે યોજનાઓ બનાવે છે.
જોકે, આસારામ આશ્રમના કિસ્સામાં વળતરની શક્યતા નથી. અમદાવાદ જિલ્લા કલેકટરે આશ્રમ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધાકીય હેતુઓ માટે કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે, સમિતિએ આસારામ આશ્રમને કોઈ વળતર ન આપવાની ભલામણ કરી છે.
મુખ્યમંત્રીએ લીધો નિર્ણય
20 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં રહેતા લોકોને સ્થળાંતર કરશે. અમદાવાદની કલેક્ટર કચેરીને જમીન સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી છે. સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદને સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આથી જમીન સંપાદનની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. લોકોને અન્ય સ્થળોએ ખસેડવાની અને આશ્રમોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઓલિમ્પિક માટે 5 ગામની પસંદગી
ગુજરાતે ઓલિમ્પિક 2036 માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના 5 નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે. આગામી સમયમાં આ વિસ્તારો ઓળખી ન શકાય તેવા બનશે, અને વિદેશી શહેરોની જેમ હરણફાળ ભરશે. અમદાવાદ આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે. કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે