)
Surat Crime News : સુરતમાં કટરથી તિજોરી કાપી 20 કરોડથી વધુના હીરાની ચોરી કરવાની ચકચારી ઘટના બની છે. તહેવારોની રજામાં ડી.કે.એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જતા જતા ચોર પોતાની સાથે CCTV-DVR પણ લઈ ગયા. ચોરીની ફરિયાદ બાદ DCP-FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
25 કરોડના હીરાની ચોરી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરીનો બનાવ બન્યો છે. ઓફિસની તિજોરી કટરથી કાપી ચોર ડાયમંડ અને રોકડા લઈ ફરાર થયા. ચોર ટોળકીએ ફેક્ટરીમાં લાગેલા તમામ સીસીટીવીની તોડફોડ કરી હતી. જેના બાદ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કંપનીમાં પહોંચી છે. ઘટનાની જાણ થતા DCP, ACP સહિતની ટીમ અને FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 25 કરોડની હીરાની ચોરીનો આંકડો સામે આવ્યો છે.
જન્માષ્ટમીનો તહેવાર હોઈ કંપનીમાં રજા હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કપોદરા વિસ્તારમાં ડીકે એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની આવેલી છે. જન્માષ્ટમીનો તહેવાર હોઈ કંપની દ્વારા 15 થી 17 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસની રજા આપવામાં આવી હતી. આજે 18 ઓગસ્ટે જ્યારે સવારે કંપનીના માલિકોએ કંપની ખોલી ત્યારે તેમને ખબર પડી કે, તિજોરી તૂટેલી હતી અને અંદરથી તમામ સામાન ગાયબ હતા. તિજોરીને ગેસ કટર મશીનથી કાપીને રફ ડાયમંડ તથા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.
રજાનો લાભ લઈ ચોર ત્રાટક્યા
રજાઓની તકનો લાભ લઈ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોર એટલા શાતિર હતા કે, તેઓએ કંપનીના CCTV કેમેરા પણ તોડી નાંખ્યા છે અને DVR પણ લઈને જતા રહ્યા. જેથી તેમનો કોઈ પુરાવો ન રહે. કંપનીમાંથી કુલ 25 કરોડના હીરાની ચોરી કરવામાં આવી છે.
તપાસ શરૂ કરી દીધી છે - ડીસીપી
આ વિશે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ક્રાઇમની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે. ક્રાઇમની ટીમ પણ અહીં પહોંચી છે અને અમે બધા મહેનત કરી રહ્યા છીએ કે જલદીથી જલદી તસ્કરોને પકડીએ. અત્યારે માલિકના હિસાબથી 20 કરોડથી વધુનો મુદ્દામાલ અહીં હતો. તેમ છતાં, અમે તેમની રસીદ અને બધું વેરિફાઈ કરીને FIR દાખલ કરીને તપાસ કરી રહ્યા છીએ.