)
Gandhinagar News: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. રાજકીય ચહેલ-પહેલ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ભાજપ નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરી સક્રિય કરવાના પ્રયાસો તેજ કરી રહ્યા છે. આ માટે, તેમણે આવતી કાલે ગાંધીનગર ખાતે ઠાકોર સેનાની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ગુજરાતભરમાંથી ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. બેઠકનો મુખ્ય હેતુ આગામી દિવસોમાં ઠાકોર સેનાના કાર્યક્રમો અને રણનીતિ નક્કી કરવાનો છે. અલ્પેશ ઠાકોર દ્વારા આ બેઠક બોલાવવી એ સૂચવે છે કે તેઓ સમાજને ફરી એક મંચ પર લાવવા અને ઠાકોર સેનાની ભૂમિકાને ફરીથી મજબૂત કરવા માંગે છે. ભૂતકાળમાં, અલ્પેશ ઠાકોરે આ સંગઠન દ્વારા મોટા પાયે આંદોલનો કર્યા હતા અને સમાજ માટે અનામત, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો.
અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ ઠાકોર સેનાની પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ હતી, પરંતુ હવે ફરીથી તેને સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે રાજકીય વર્તુળોમાં પણ આ બેઠકને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બેઠક બાદ ઠાકોર સમાજની રાજકીય અને સામાજિક દિશામાં શું પરિવર્તન આવશે તે જોવું રસપ્રદ રહેશે.
આગામી સમયમાં ઠાકોર સેના કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની રણનીતિ શું હશે તે આવતી કાલની બેઠક બાદ સ્પષ્ટ થશે. શું અલ્પેશ ઠાકોર ફરીથી સમાજ અને સંગઠનની શક્તિને એકત્રિત કરી શકશે?