)
Montu Patel Mega Scam : દેશભરની ફાર્મા કોલેજોને માન્યતા આપવા અને તેમની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે જવાબદાર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો બાદ મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો છે. નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ cbi દ્વારા ગાંધીનગરના ઝુંડાલ ગામે મોન્ટુ પટેલનું નામ સામે આવ્યું હતું. મોન્ટુ પટેલનું 5400 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મોન્ટુ પટેલના અનેક કાળા કાંડ ખૂલી રહ્યાં છે. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે.
દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. જેના પર 5400 કરોડના વહીવટનો આરોપ લાગ્યો છે. ત્યારે મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો છે. જેની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો આરોપ છે. મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ દરોડા પાડયા હતા. તેના બાદ તેણે કરેલા કાળા કાંડનો ભાંડો ધીરે ધીરે ખૂલી રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો હવે આ કૌભાંડો અંગે ખૂલીને બોલી રહ્યાં છે.
મોન્ટુ કુમાર પટેલ કોણ છે?
૩૫ વર્ષીય મોન્ટુ કુમાર પટેલનો પીસીઆઈ પ્રમુખ બનવાનો ઉદય કોઈ ચમત્કારથી ઓછો નથી. એક સામાન્ય પરિવારમાંથી આવતા, મોન્ટુ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી પીસીઆઈના પ્રમુખ છે. પોતાના ગામની કોલેજમાંથી ફાર્મસીમાં સ્નાતક થયા અને પછી અનુસ્નાતક થયા પછી, મોન્ટુ ફાર્મસી કાઉન્સિલના રાજકારણમાં પ્રવેશ્યા. મોન્ટુ પટેલ પહેલા ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં જોડાયા. ત્યારબાદ તેમણે છગનભાઈ પટેલનો વિશ્વાસ મેળવ્યો અને પોતાના ભવિષ્યનો માર્ગ નક્કી કર્યો. જોડાણો બનાવવામાં માસ્ટર, મોન્ટુએ દિલ્હીની એક બેઠક પર નજર રાખી. ફાર્મસી કાઉન્સિલમાં ખાલી જગ્યા ઊભી થતાં જ તેમણે પોતાને સભ્ય તરીકે નામાંકિત કર્યા. નજીકના સહયોગીઓના જણાવ્યા મુજબ, મોન્ટુએ પોતાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સંપૂર્ણ ઉપયોગ કર્યો. જરૂર પડ્યે તેમણે આ બે સંગઠનોને માત્ર ઓછા મહત્વ આપ્યા જ નહીં, પણ તેમને ટાળ્યા પણ.
દિગ્ગજોને પછાડીને ખુરશી કબજે કરવી
મોન્ટુ પટેલની પીસીઆઈ પ્રમુખ બનવાની સફરમાં જશુ ચૌધરી, નવીન શેઠ અને છગનભાઈ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે, પરંતુ મોન્ટુએ બધાને પાછળ છોડી દીધા અને પીસીઆઈ પ્રમુખ બન્યો. એવો પણ દાવો કરવામાં આવે છે કે નવીન શેઠ પ્રમુખ બનવાના હતા પરંતુ આખરે તેમને ના પાડી દેવાયા આવ્યા. મોન્ટુ પટેલ સામે સીબીઆઈની કાર્યવાહીથી ગાંધીનગરમાં તેમના મિત્ર વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. મોન્ટુ પટેલના ભાજપમાં માત્ર સાથીઓ જ નથી, પરંતુ કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે પણ સારા સંબંધો છે. સીબીઆઈ લાંચ અને કોલેજોને જોડાણ આપવામાં ઉતાવળની તપાસ કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, દસ્તાવેજો અનુસાર, ઘણી કોલેજો જેમાં ઇમારતો, માળખાગત સુવિધાઓ, લાયકાત ધરાવતા સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓનો અભાવ હતો તેમને ડૉ. પટેલ અને તેમના સહયોગીઓ દ્વારા જોડાણ આપવામાં આવ્યું હતું.
IELTS કૌભાંડમાં પણ મોન્ટુ પટેલ સામેલ
મોન્ટુ પટેલ IELTS કૌભાંડમાં પણ સામેલ હતો. જેમાં મોન્ટુ પટેલની પત્ની ખુશ્બુ વોરા બીજા પરીક્ષાર્થીઓ વતી એક્ઝામ આપવા જતી હતી. એક છોકરા પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તેમણે આ રીતે 300 કરોડ રૂપિયા બનાવ્યા હોવાની ચર્ચા ઉઠી છે.
માળખા વગરની અનેક કોલેજોને મંજૂરી આપ્યાનો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. મોન્ટુ સામે કોલેજ દીઠ 20 થી 25 લાખ લીધાનો આક્ષેપ છે. મોન્ટુ પટેલે પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા આપ્યા હોવાનો પણ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
વોટ ખરીદીને મોન્ટુ પટેલ અધ્યક્ષ બન્યો
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એવી પણ ચર્ચા છે કે, મોન્ટુ પટેલ અગાઉ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ'ની ચૂંટણી હારી ગયો હતો. પછી બાદમાં રૂપિયાના જોરે તે ચૂંટણી જીત્યોહતો. મોન્ટુ પટેલે મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ ખરીદ્યા હતા.
સરદારધામને પણ આપ્યા રૂપિયા
ચર્ચા છે કે, મોન્ટુ પટેલે સરદાર ધામમાં 5 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ત્યાંના બોર્ડ પર 5 કરોડના દાતા તરીકે તેનું નામ પણ છે.
ભાજપના 11 વર્ષના શાસનમાં કાઉન્સિલોમાં લૂંટનો કારોબાર ચાલે છે
ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે CBIના દારોડાના કેસમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. ભાજપના 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ અલગ છે. સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શુ ચાલી રહ્યું છે. કેમ આ બાબતે સરકાર મૌન છે. ખોટા લાયસન્સના આધારે મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે. ગુજરાતમાં ફાર્મસીની 84 કોલેજો છે, જેમાંથી માત્ર 3 કોલેજ સરકારી છે. સરકારે માત્ર ખાનગી કોલેજોને જ મંજૂરી આપી છે. કોલેજોના સંચાલકોને ફીના નામે મોટા પેકેજ અપાય છે. દિલ્હીમાં બેઠેલા આકાઓના ઈશારે આ ભ્રષ્ટાચાર ચાલે છે. ભાજપની ટાંટિયાખેંચમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ફાર્મસી કાઉન્સિલના ચેરમેન વચ્ચે ભાગબટાઈમાં વાંધો પડ્યો. જેના કારણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. કેટલી કોલેજોની માન્યતા આપવામાં શુ ખેલ થયો તેની તપાસ કરવામાં આવે. ગુજરાતમાં કેટલી કોલેજોમાં ગોલમાલ થઈ તેની પણ તપાસ થવી જોઈએ.