)
Dhudhdhara Diary Election : ભરૂચમાં દુધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાય છે. પરંતુ કેટલાક નેતાઓએ ભાજપ હાઈકમાન્ડના આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો ઘાટ સર્જાયો હતો, જેથી ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર 9 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.
ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. આ સસ્પેન્શનથી ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ લાલ આંખ કરી છે અને દુધધારાની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે આ થઈ રહ્યું છે એ ઘણું ખોટું થઈ રહ્યું છે. આવનારા દિવસો માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને મોટો ફટકો પડશે. જોકે આ બાબતે ભરૂચ નર્મદાના સંકલનને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોત તો આ વિવાદ જ ન થાત. પરંતુ આ કોઈના મહત્વકાંક્ષાને કારણે પ્રદેશને ગેરમાર્ગે દોરી છે. પ્રદેશને ખબર ન હોઈ કે કોણ ભાજપના છે અને કોણ નહિ. પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસના છે અને મેન્ડેટ આપ્યા પછી ચિન્હ બદલવામાં આવ્યા. આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે અને આ પાર્ટીને ભવિષ્યમાં મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિન્હ કેમ બદલવામાં આવ્યા. કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે.
આમ આ મુદ્દે સાંસદે ભાજપના જ નેતાઓને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો બીજી બાજુ અરૂણસિંહ રણા પણ આ પેનલને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો.
મેન્ડેટનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લીધાં - પ્રદેશ મહામંત્રી
દૂધધારા ચૂંટણીમાં ધારાસભ્યની પેનલ સામે ભાજપ દ્વારા સસ્પેન્સનનો મામલે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં ભાજપ દ્વારા પાટીલ સાહેબના નેતૃત્વમાં મેન્ડેટ આપવા માર્ગ મોકળો કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ સંસ્થાઓ ભાજપના કાર્યકરો દ્વારા વહીવટ થાય છે. ભાજપનો મેન્ડેટનો ભંગ કરીને ઉભા રહેનાર સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે. પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે. ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે. ત્યારે તેઓની સામે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પેનલ ઉતારી છે. ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલમાંથી પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે. પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નમતું ઝોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જો કે અમુલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે.
ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરએ મતદાન યોજાવાનું છે.