)
Patidar Leader : ગોપાલ ઈટાલિયા એક્ટિવ થતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેલ ન બગાડે તે પૂર્વે ભાજપ એકશન મોડમાં આવી ગયું છે. જુના જોગીઓને મેદાને લાવવાનું શરૂ કરાયું છે. હાઈકમાન્ડના આદેશ પર ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. ભાજપમાં સાવ હાંસિયામાં ધકેલી દેવાયેલા પાટીદાર નેતા સૌરભ પટેલ પણ ફરી જાહેરમાં જોવા મળતા ચર્ચાએ વેગ પકડ્યો છે.
ચૂંટણીઓ આવી રહી છે, અને ભાજપને પોતાનો ખેલ બગડે તેવો ડર લાગી રહ્યો છે. તેમાં પણ ગોપાલ ઈટાલિયાની લોકપ્રિયતાને કારણે આમ આદમી પાર્ટી પાવરફુલ બની રહી છે. એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. તેથી ભાજપે પોતાનો ગજ વગાડવા માટે જુના જોગીઓને સક્રિય કરવાનું ફરમાન અપાયું છે. તાજેતરમાં રાજકોટમાં પાટીદાર નેતા અરવિંદ રૈયાણી લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળ્યા. જેમાં સામે આવ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે તેમને સક્રિય થવા ફરમાન કરાયું. ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના પૂર્વ ધારાસભ્ય સૌરભભાઈ પટેલ પણ રાજકારણમાં ફરી સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.
ભાજપમાં નીતિન પટેલ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, જવાહર ચાવડા જેવા અનેક નેતાઓ હાંસિયામા ધકેલાયા છે. બીજી તરફ, ગોપાલ ઈટાલિયા જે રીતે સક્રિય થયા છે, તે જોતા પાટીદારોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે. આ કારણે ભાજપે પાટીદાર નેતાઓને ફરીથી સક્રિય થવાનું ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. સૌરભ પટેલ બહુ લાંબી રાજકીય ઈનિંગ રમી ચૂક્યા છે, પરંતું એક સમયે નરેન્દ્ર મોદીની નજીક ગણાતા સૌરભ પટેલને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.
સૌરભ પટેલની એકાએક હાજરીથી ચર્ચા શરૂ
બે દિવસ પહેલા સૌરભ પટેલે બોટાદમા કાર્યકરો સાથે એક આશ્રમમાં મીટીંગ કર્યા બાદ પાળીયાદની પ્રખ્યાત વિસામણબાપુની જગ્યામાં જઈ ઉમાબાના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત બોટાદના રાજકારણનું હબ ગણાતા લાઠીદડ ગામે પણ તેમણે મીટીંગ કરી હતી. જોકે આ મીટીંગ થોડી વિવાદાસ્પદ રહી હતી કારણ કે આ મીટીંગમાં ભાજપના વફાદાર અને સંગઢનનાં મોટાભાગના આગેવાનો અને કાર્યકરો મીટીંગમાં ગેર હાજર રહ્યા હતા.
પાટીદાર નેતાઓ ફરી સક્રિય થયા
ભાજપને ડર લાગી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાને કારણે પાટીદાર મતોનું વિભાજન થઈ શકે છે. આ કારણે ભાજપ દ્વારા જુના ભાજપના પાટીદાર નેતાઓ કે જેવો હાલ જૂથવાદના કારણે ભાજપમાં નિષ્ક્રિય થઈ ગયા છે તેમને સક્રિય કરવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં આવા પાટીદાર નેતાઓને ફરી સક્રિય કરવા અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે સૌરભભાઈ પટેલ પણ બોટાદમાં સક્રિય થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે.
સૌરભ પટેલનો અંબાણી પરિવાર સાથે નાતો
ગુજરાતમાં બીજેપી સરકારમાં મંત્રી સૌરભ પટેલ રાજ્યનાં લોકપ્રિય નેતાઓમાંથી એક છે. સૌરભ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1958ના રોજ થયો હતો. સૌરભ પટેલ અંબાણી પરિવારના જમાઈ છે, તેમના પત્નીનું નામ ઈલા અંબાણી છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ઈલા અંબાણીના પિતરાઈ ભાઈ છે. સૌરભ પટેલ દિવંગત ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીના જમાઈ છે.
સૌરભ પટેલનું રાજકીય કદ ઓછું કેમ થયું
સૌરભ પટેલ ગુજરાત સરકારમાં 14 વર્ષ સુધી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં તેઓ નાણામંત્રાલય, પેટ્રોકેમિકલ્સ અને ઉદ્યોગ સહિત ઘણા મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની સફળતામાં પણ સૌરભ પટેલનું યોગદાન માનવામાં આવે છે. એક સમય એવો હતો, જ્યારે નરેન્દ્ર મોદી બાદ સૌરભ પટેલને ગુજરાતનાં મુખ્યમંત્રી પદનાં દાવેદાર માનવામાં આવતા હતા. ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝીલાતો હતો તેવા સૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા હતા. આ સમય દરમિયાન સૌરભ પટેલનું રાજકીય કદ ઘટ્યું હતું. ભાજપના હાઇકમાન્ડે તેમને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે. અગાઉની સરકારોમાં સૌરભ પટેલને સરકારે પ્રવક્તા મંત્રીઓ બનાવ્યા હતા. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માટે જે નામો ચાલતા હતા તેમાં અમિત શાહ, આનંદીબહેન પટેલ પછી સૌરભ પટેલનું નામ પણ હતું, પરંતુ તેઓ મુખ્યમંત્રી બની શક્યા ન હતા. એ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી પછી મંત્રી બન્યા ત્યારે સૌરભ પટેલને પહેલાં ફાઈનાન્સ ખાતુ આપવામાં આવ્યું હતું, પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નારાજગી વ્યક્ત કરતાં તેમની પાસેથી નાણા ખાતું છીનવી લેવામાં આવ્યું હતું અને નિતીન પટેલને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમને ઉર્જા વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો. સૌરભ પટેલ જે સમયે ઊર્જા મંત્રી હતા તે સમયે તેમની પાંખો કાપી નાંખવામાં આવી હતી. સૌરભ પટેલને નામ માત્ર ઉપસ્થિત રાખવામાં આવતા હતા. એક સમય હતો જ્યારે સૌરભ પટેલની ચેમ્બરમાં રાજ્યભરના અને વિદેશોના ઉદ્યોગપતિઓ લાઇન લગાવતા હતા.