)
BJP MLA Raman Vora: ગાંધીનગરના પાલજમાંથી બોગસ ખેડૂત બનીને પોતાના મતવિસ્તાર ઇડરમાં ખેતીની જમીન ખરીદ્યા અને પછી તેની સોદાબાજી કરી હોવાની ફરિયાદ મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા એક નવા વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર ઇડરના જ એક યુવકે કરેલી ટીકાના જવાબમાં પૂર્વ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ આ યુવકને વોટ્સએપ કોલ કરીને તો ખખડાવ્યો જ, પરંતુ વોટ્સએપ ચેટમાં પણ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો.
"ચડ્ડી પહેરતા શીખી જા પછી બાપા જોડે વાત કરજે"
આ વાત વોરાએ યુવકને લખતા તેના સ્ક્રીનશોટ અને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. આ વિવાદના મૂળમાં થોડા મહિના અગાઉ સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ સામે થયેલું પશુપાલકોનું આંદોલન હોવાનું જણાઈ આવે છે. ઇડરના આશુતોષ રેવાભાઈ રાઠોડ નામના યુવકે આ આંદોલન દરમિયાન સ્થાનિક ધારાસભ્ય તરીકે રમણલાલ વોરાની ભૂમિકાને લઈને ટીકા કરી હતી. વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવેલી આ ટીકાવાળી પોસ્ટને ટાંકીને રમણલાલ વોરાએ “આઇટમ બેકાર છે. સાચા નામ અને સાચા ફોટા સાથે પુરુષ હોય તો મેસેજ કરે” એવું લખ્યું હતું.
"એ ડફોળ... " અને પછી સત્તાનો રોફ જમાવ્યો
બાદમાં, રમણલાલ વોરાએ આશુતોષ રાઠોડને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કર્યું. તેમણે આશુતોષને મેસેજમાં અહીં લખી ન શકાય તેવા શબ્દો પણ લખ્યા હતા. આટલેથી ન અટકતાં તેમણે ફોન પર "હું 52 વર્ષથી રાજકારણમાં છું, 22 વર્ષ મંત્રી રહ્યો, 1975માં ડીવાયએસપી, લોમાં ગોલ્ડ મેડાલિસ્ટ" એમ કહીને પોતાનો સત્તાનો રોફ જમાવ્યો. વોટ્સએપ ચેટમાં "એ ડફોળ..." જેવા શબ્દોનો ઉપયોગ પણ થયો હોવાની સામગ્રી વાઈરલ થતાં ભાજપના આ નેતા ફરીથી વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. બોગસ ખેડૂત મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે આ નવા વિવાદે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.