)
Panchmahal News: હાલોલ નજીકના રણજિતનગર પાસે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં આજે બપોરે એક ભયંકર વિસ્ફોટ થયો, જેના કારણે ઝેરી કેમિકલ લીકેજ થયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
દુર્ઘટનાની વિગતો અને રાહત કામગીરી
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનાથી કેમિકલ લીકેજ થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લીકેજ થયેલું કેમિકલ 'કેટાલિસ્ટ' હોવાની આશંકા છે, જે ખૂબ જ ઝેરી છે. આ ઝેરી વાયુને કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક કામદારો જીવ બચાવવા માટે કંપની છોડીને ભાગતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોધરા અને હાલોલ સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક રણજિતનગર ખાતેની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વહીવટી તંત્ર સક્રિય, વિસ્તાર કોર્ડન
દુર્ઘટનાની ગંભીરતા જોતાં, પંચમહાલ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. પોલીસે તાત્કાલિક પગલાં ભરીને કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો છે અને વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આસપાસના ગામોના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય તો તેમને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ ઉપરાંત, કંપનીની નજીકમાં આવેલી તમામ શાળાઓમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી છે અને બાળકોને તેમના ઘરે સુરક્ષિત રીતે પરત મોકલવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.