પ્રેમ સંબંધમાં એવું તો શું આડે આવ્યું કે ઘોઘંબાના જંગલમાંથી એક બાદ એક 3 લાશ મળી

પ્રેમ સંબંધમાં એવું તો શું આડે આવ્યું કે ઘોઘંબાના જંગલમાંથી એક બાદ એક 3 લાશ મળી
  • ઘોઘંબામાં લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો ગઈકાલે રાત્રે ગુમ થઈ હતી, બીજા દિવસે સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ 
  • આજે કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ઘોઘમ્બાના લાલપુરી ગામના જંગલમાંથી ગઈકાલે બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બંને યુવતીઓ કાલોલના એરાલ પંથકની હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે જ બંને યુવતીઓ પિતરાઈ બહેનો નીકળી હતી. ત્યારે આ કેસમાં જબરદસ્ત મોટો વળાંક આવ્યો છે. જે વિસ્તારમાંથી યુવતીઓની લાશ મળી હતી, તેનાથી થોડા દૂર જંગલમાંતી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.  

બે પિતરાઈ બહેનોની લાશ ઝાડ પર લટકતી મળી હતી 
લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં એક લગ્ન સમારોહમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. જેના બાદ ગઈકાલે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે. બંને યુવતીઓ પિતરાઈ બહેનો છે. એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષા રયજી નજરું રાઠવા સોમવારે એક લગ્ન સમારોહમાં ગઈ હતી. મોડી રાત્રે બંને પરત ફરી ન હતી. તેથી પરિવારજનોએ પણ તેમની શોધખોળ ચલાવી હતી. જેના બાદ ઝાડ પર લટકતી હાલતમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો : કોવિડ ડ્યુટી પૂરી કરીને યુવા તબીબે હોસ્પિટલના રૂમમાં જ કરી આત્મહત્યા 

બીજા દિવસે જંગલમાંથી ત્રીજી લાશ મળી 
ગઈ કાલે જે વિસ્તારમાંથી બે યુવતીઓના મૃતદેહ મળ્યા તે જ વિસ્તારમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘોઘંબાના લાલપુરી જંગલમાંથી સતત બીજા દિવસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે રીતે યુવતીઓની લાશ મળી છે, એ જ રીતે યુવકની લાશ ઝાડ પરથી મળી આવી છે. 

ત્યારે રાજગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. ગઈકાલે એરાલ ગામની યુવતી અને તેની ફોઇની દીકરીના મૃતદેહ મળી આવ્યા હતા, અને આજે યુવકની લાશ. ત્યારે આ મામલે અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. 

ઘોઘંબા : લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો રાત્રે ગુમ, સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ

(બંને પિતરાઈ બહેનોના ઝાડ પર લટકતા મૃતદેહો મળ્યા હતા)

પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા 
આખરે આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જોકે, બંને આટલા ઊંચા ઝાડ પર ચઢીને આત્મહત્યા કરે તેવી વાત પોલીસના ગળે ઉતરતી નથી. સાથે જ વર્ષા પગે વિકલાંગ હતી, તેથી તે ઝાડ પર કેવી રીતે ચડી શકે. તો બીજી તરફ, હવે યુવકની લાશ મળતા સમગ્ર કિસ્સો પ્રેમ પ્રકરણ તરફ આંગળી ચીંધે છે. આ યુવક બે યુવતી પૈકી એક યુવતી એકનો પ્રેમી  હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે સવાલ એ છે કે, આખરે પ્રેમ સબધમાં એવું શું આડે આવતાં એક બાદ આવી રીતે ત્રણેય મોત વ્હાલુ કર્યું. તો સાથે જ આ હત્યા છે કે કેમ તે જાણવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news