અમદાવાદમાં શ્વાનના હુમલામાં બાળકીના મોતનો મામલો, પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલની કરી ધરપકડ

અમદાવાદમાં ગઈકાલે એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા છે. સોસાયટીમાં ચાર મહિનાની બાળકી પર શ્વાને હુમલો કર્યો જેમાં બાળકીનું મોત થયું છે. આ ઘટના બાદ સોસાયટીની અંદર ડોગ રાખવાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે. 
 

અમદાવાદમાં શ્વાનના હુમલામાં બાળકીના મોતનો મામલો, પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં રખડતાં ઢોર અને રખડતાં શ્વાને આતંક મચાવ્યો છે, રખડતાં ઢોરના ત્રાસની રોજ અલગ અલગ ઘટનાઓ સામે આવે છે, હવે પાલતું શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, મહાનગર અમદાવાદમાં એક પાલતુ શ્વાને 4 માસની બાળકી પર હુમલો કર્યો જેમાં બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન માલિકની ધરપકડ કરી છે.

શ્વાન માલિકની ધરપકડ
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. માત્ર ચાર મહિનાની એક નાનકડી બાળકી પર પાલતુ શ્વાને એવો હુમલો કર્યો કે બાળકીનું મોત નિપજ્યું. પોલીસે હવે શ્વાન માલિક દિલીપ પટેલ સામે BNS ની કલમ 106(1) અને કલમ 291 હેઠળ કાર્યવાહી કરી છે. શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. શ્વાન માલિકે નિયમો નેવે મુકી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

4 મહિનાની બાળકીનું થયું મોત
હાથીજણની રાધે રેસિડેન્સીમાં રોટવીલર બ્રીડના શ્વાને એક નિર્દોષ બાળકી પર હુમલો કર્યો. આ ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ, જેમાં એક મહિલા ફોન પર વાત કરતી હતી અને શ્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર તૂટી પડ્યો. સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 14, 2025

અમદાવાદમાં શ્વાનના હુમલાની આ પહેલી ઘટના નથી. રખડતા શ્વાનોનો આતંક શહેરની ગલીઓમાં રોજ વધી રહ્યો છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે 18 હજારથી 20 હજાર લોકો હડકવાના કારણે મૃત્યુ પામે છે, જેમાંથી મોટાભાગના કેસ શ્વાનના કરડવાના હોય છે.  

અમદાવાદ મહાનગરપાલિકા રખડતા શ્વાનોને પકડવા અને તેમની નસબંધી માટે અભિયાન ચલાવે છે, પરંતુ આ સમસ્યા હજુ પણ કાબૂમાં આવી નથી. શહેરી વિસ્તારોમાં શ્વાનોની વધતી સંખ્યા માથાનો દુઃખાવો બની છે. ત્યારે તંત્ર ક્યારે આવી ઘટનાઓ રોકવામાં સફળ થાય છે?...પાલતું શ્વાન પર ક્યારે કોઈ ચોક્કસ નિયમ બનાવવામાં આવશે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news