ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો સંસદમા પહોંચ્યો, રાજસ્થાનના સાંસદે કરી CBI તપાસની માંગ

ગોંડલમાં રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પરિવાર પર આરોપ લગાવ્યો હતો. હવે ગોંડલની આ ઘટનાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે.
 

 ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો સંસદમા પહોંચ્યો, રાજસ્થાનના સાંસદે કરી CBI તપાસની માંગ

નવી દિલ્હીઃ રાજકોટ જિલ્લાના ગોંડલમાં તાજેતરમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું. રાજકુમાર જાટના મોત બાદ તેના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે માર મારવાનો આરોપ લગાવ્યો હતો. રાજકુમાર જાટ પહેલા ગાયબ થયો અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બસની ટક્કરે યુવકનું મોત થવાનો દાવો કર્યો હતો. હવે આ મામલો લોકસભામાં ગુંજ્યો છે. રાજસ્થાનના સાંસદે આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે.

સંસદમાં ગુંજ્યો મુદ્દો
રાજકુમાર જાટનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. રાજકુમારના મોત બાદ જાટ સમાજ પણ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. આજે સંસદમાં રાજસ્થાનના બાડમેરથી સાંસદ ઉમેદરામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવી સીબીઆઈ તપાસની માંગ કરી છે.

શું બોલ્યા સાંસદ
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો સતત ચર્ચામાં છે. આ ઘટના બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ પર પણ આરોપ લાગી રહ્યાં છે. લોકસભામાં બાડમેરના સાંસદ ઉમેદરામ બેનિવાલે કહ્યુ કે રાજકુમાર જાટની હત્યાનો આરોપ પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવાર અને સાથીદારો પર લાગ્યો છે. આ પરિવારનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. 

— Ummeda Ram Beniwal (@UmmedaRamBaytu) March 19, 2025

તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ પણ આ રાજકીય પરિવારના દબાણને કારણે નિષ્પક્ષ તપાસ કરી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આરોપીને ન્યાય અપાવવાની જગ્યાએ આરોપીઓને બચાવવા અને પુરાવાનો નાશ કરવાનું કામ કર્યું છે. આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસે 16 દિવસ બાદ પણ એફઆઈઆર દાખલ કરી નથી.

સીબીઆઈ તપાસની માંગ
સાંસદે લોકસભામાં આ ઘટના અંગે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સાંસદે કહ્યું કે જો સીબીઆઈ તપાસ કરશે તો પીડિતને ન્યાય અને આરોપીઓને સજા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news