"ભાજપે મંત્રી પદની ઓફર કરી, પણ જનતાના પ્રેમ સામે રૂપિયાની કોઈ કિંમત નથી", ચૈતર વસાવાનો ધડાકો
Chaitar Vasava explosion: પેરોલ પર છૂટ્યાં બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે મને ભાજપના મોટા ગજાના નેતાઓ મળ્યા હતાં. જેમણે મને ઓફર કરીકે, ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનુ છે એટલે મંત્રી બનાવી દઇશુ.
Trending Photos
)
Chaitar Vasava explosion: આદિવાસી સમાજમાં લોકપ્રિય અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પેરોલ પર છૂટ્યાં બાદ એક મોટો અને ચોંકાવનારો રાજકીય ધડાકો કર્યો છે. ગરુડેશ્વર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી બોલતા તેમણે ખુલાસો કર્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને પક્ષમાં જોડાવા અને મંત્રી પદ આપવાની ઓફર કરી હતી. વસાવાએ જણાવ્યું કે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન જ્યારે તેઓ ગાંધીનગર ગયા હતા, ત્યારે ભાજપના 'મોટા ગજાના' નેતાઓ તેમને મળ્યા હતા. આ નેતાઓએ તેમને ઓફર આપી હતી કે, "ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે તમને મંત્રી બનાવી દઈશું."
"લોકોના આશીર્વાદ જ ખરી પૂંજી"
ભાજપની આ આકર્ષક ઓફરનો ઉલ્લેખ કરતાં વસાવાએ તેને ઠુકરાવવાની વાત જાહેર કરી. તેમણે ગદગદિત સ્વરે કહ્યું કે, "હું મંત્રી બની જાઉં કે પછી મુખ્યમંત્રી બની જાઉં. લાખો-કરોડોની મિલ્કતો વસાવી લઉં, પણ જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત અને વિસાત નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે ગરીબ જનતાનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ તેમની ખરી 'પૂંજી' છે, જે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. આમ કરીને ચૈતર વસાવાએ મતદારોમાં પોતાની એક આગવી અને પ્રમાણિક છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જે સત્તાની લાલચથી દૂર રહી જનસેવાને પ્રાથમિકતા આપે છે.
'ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં!'
કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને જનતામાં જોશ ભરતાં વસાવાએ ફિલ્મી ડાયલોગ શૈલીમાં કહ્યું, "ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં!" આ ડાયલોગ સાંભળીને કાર્યકરો અને લોકોએ જોરદાર તાળીઓ પાડીને સમગ્ર વાતાવરણ ગુંજવી દીધું હતું. આ નિવેદનો દ્વારા ચૈતર વસાવાએ માત્ર ભાજપની ઓફર ઠુકરાવી હોવાનો સંકેત જ નથી આપ્યો, પરંતુ જેલમાં જઈને પાછા ફર્યા બાદ તેમનો સંઘર્ષ અને લડાયક જુસ્સો અકબંધ હોવાનું પણ સાબિત કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














