ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે મુખ્યમંત્રીએ યોજી મહત્ત્વની બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
Trending Photos
Rain in Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા - સજ્જતાની સમીક્ષા કરી હતી.
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક-કોમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઉભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી હતી. નિચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પુરતી સુવિધા જળવાય તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી.
તેમણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે તે સંદર્ભમાં પણ તંત્ર વાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટીના અપ્રોચથી સતર્ક રહે તેવું માર્ગદર્શન આપ્યું હતું. વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે N.D.R.F.ની 12 ટીમો 12 જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના 20 જિલ્લાઓમાં S.D.R.F.ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. આમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં N.D.R.F. અને S.D.R.F.ની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂર જણાયે મદદ માટે તૈનાત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી.
ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિચાણ વાળા વિસ્તારોમાંથી કુલ 259 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ બોટાદ અમરેલી જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી વાત ચીત કરીને તેમને ત્યાં થયેલી બચાવ રાહત અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને અધિક મુખ્ય સચિવો તથા વરિષ્ઠ સચિવો, N.D.R.F અને હવામાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે