હકીમ ઘડિયાળી, છોટાઉદેપુરઃ ગુજરાતમાં શિક્ષણની ડામાડોળ સ્થિતિ છે...તેની સાક્ષી પુરતા દ્રશ્યો મધ્ય ગુજરાતની એક આદિવાસી શાળામાંથી સામે આવ્યો છે...આ એવી શાળા છે જ્યાં ભારતનું ભવિષ્ય તંબુ નીચે ભણી રહ્યું છે...એક જ શિક્ષકના સહારે 50થી વધુ બાળકો જોખના જોખમ નીચે ભણી રહ્યા છે...ત્યારે કઈ છે આ શાળા?...જુઓ આ અહેવાલમાં...
આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની ઘટોલ પ્રાથમિક શાળાના, જ્યાં 55થી વધુ આદિવાસી બાળકો તાડપત્રીના તંબુમાં ભણે છે. ગુજરાત સરકારના વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે આ શાળાની દયનીય સ્થિતિ શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલે છે..
આ છે ગુજરાતનું શિક્ષણ
તંબુમાં ચાલતી શાળા
વાંસના સહારે 'ભવિષ્ય'
તાડપત્રીના સહારે શાળા
આટલી વિકટ સ્થિતિ?
શાળા બનાવવા પૈસા નથી?
ઘટોલ પ્રાથમિક શાળા
આ શાળા પહેલાં જર્જરિત મકાનમાં ચાલતી હતી, જે તોડી પડાયું, પરંતુ નવું બિલ્ડિંગ બન્યું નથી. ગામના લોકોએ પોતાના પ્રયાસે વાંસ અને તાડપત્રીથી તંબુ બનાવ્યો, જ્યાં બાળકો ઠંડી, ગરમી અને વરસાદમાં જીવના જોખમે અભ્યાસ કરે છે. એક જ શિક્ષક ધોરણ 1થી 5ના 55 બાળકોને ભણાવે છે.
છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની આ દયનીય સ્થિતિ છે. પૂરતા શિક્ષકો નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અને બાળકો તંબુમાં ભણવા મજબૂર છે. શું આ છે વિકસિત ગુજરાતનું શિક્ષણ મોડેલ?...
શું આ છે વિકસિત ગુજરાતનું શિક્ષણ મોડેલ?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે કે, વૈકલ્પિક વ્યવસ્થા માટે નજીકના મકાનમાં બાળકોને ખસેડવાની સૂચના આપવામાં આવી છે. બે ઓરડાનું ટેન્ડરિંગ ચાલુ છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકારની ઉદાસીનતાને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. પવનની ઝડપ વધે તો તંબુ પડી શકે છે, પરંતુ તંત્ર ધ્યાન નથી આપતું...
સવાલ એ છે કે શાળા પ્રવેશોત્સવના ઢોલ પીટતી સરકાર આદિવાસી બાળકોના શિક્ષણ માટે ક્યારે જાગશે?... શું આ બાળકોનું ભવિષ્ય તંબુની છત નીચે જ રહેશે?...