)
Surat News: સુરતના વરાછા વિસ્તારમાં ગત 5 સપ્ટેમ્બરના રોજ ખોડલધામના અગ્રણી અલ્પેશ કથીરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી બબાલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ દ્વારા યુવાનો પર ખુલ્લેઆમ લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી. કોઈક કારણોસર બંને જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ વણસતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ અધિકારીઓ યુવાનોને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કરતા જોવા મળે છે. વીડિયોમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા અને તેમની સાથેના કેટલાક યુવકો પર પણ લાઠીચાર્જ થયો હોવાનું સામે આવ્યું છે.
જોકે, આ બબાલ બાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ત્યાર બાદ સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. વાયરલ વીડિયો મુદ્દે અલ્પેશ કથીરિયાએ મૌન સેવ્યું છે. ત્યારે આ મુદ્દે અલ્પેશ કથીરિયાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અલ્પેશે માત્ર એટલું જણાવ્યું હતું કે અમારે સમાધાન થઈ ગયું છે, હું આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં આપુ.
આ ઘટનાનો વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને લોકોમાં આ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને ગણેશ મહોત્સવ જેવા પવિત્ર તહેવાર દરમિયાન આવી ઘટના બનતાં લોકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.