)
Gujarat Monsoon 2025: ગુજરાતમાં ચોમાસાની વિદાયની વચ્ચે પણ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના લગભગ 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ફરી એકવાર નદી-નાળા છલકાયા છે અને ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે.
હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી: નવરાત્રિ પર સંકટ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્ય પરથી હજુ વરસાદનું સંકટ ટળ્યું નથી અને આગામી નવરાત્રિના તહેવારમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (મંગળવાર) ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણના દરિયા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે, અને તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, માંગરોળમાં 4 ઈંચને પાર
ખાસ કરીને જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે, જ્યાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ગીરસોમનાથના તાલાલામાં 2.5 ઈંચ, જૂનાગઢના કેશોદ અને માળિયાહાટીનામાં 2 ઈંચથી વધુ, અને ગીરસોમનાથના ઉનામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો, પાટણ-વેરાવળ અને સૂત્રાપાડામાં 1.5 ઈંચ, જ્યારે દ્વારકા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે, જેમાં નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
ડેમોમાં પાણીની આવક, જળસપાટીમાં વધારો
ભારે વરસાદના પરિણામે રાજ્યના મહત્ત્વપૂર્ણ ડેમોમાં પાણીની આવક વધી છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં નોંધપાત્ર પાણી આવ્યું છે. અમરેલીમાં મુંજિયાસર અને ખોડિયાર ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જ્યારે બોટાદનો રામાઘાટ ડેમ છલકાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરતના ઉકાઈ ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. આ તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે, જે ખેડૂતો અને જળ સંચય માટે સારા સમાચાર છે.