)
Pahalgam terror attack: પહલગામ આતંકી હુમલાના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મિત અને યતિશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાજંલિ આપી હતી. પહલગામ આતંકી હુમલાને લઈને ભાવનગર અને સુરત સહિત રાજ્યભરમાં મોતનો માતમ છવાયો હતો.
ભાવનગરના પિતા પુત્ર એવા યતિશ પરમાર અને સ્મિત પરમારની અંતિમયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પરમાર પરિવારને સાંત્વના આપી હતી. પરિવારની મહિલાઓ કલ્પાત કરી હતી. પરિવારે ન્યાય અપાવવાની માંગણી પણ કરી હતી. આખા ભાવનગરે અશ્રૃભીની આંખે પિતા-પુત્રને અંતિમ વિદાય આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતક સ્મિતના મામાના દીકરાએ આખી આતંકી ઘટના વર્ણવી હતી. એ સમયે એ દીકરાની આંખમાં જે ભય હતો, તે આતંકી હુમલાની ગંભીરતા બતાવવા માટે પુરતો હતો. આ દીકરાએ નજર સામે તેના ફુઆ અને પિતરાઈ ભાઈને ગુમાવતા જોયા છે. આતંકી હુમલા એ તમામ પરિવાર માટે વજ્રાઘાત સમાન છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પરમાર પરિવારે તેમના બે સ્વજન ગુમાવ્યા છે. પરિવાર અને સંબંધીઓ સાથે ફરવા ગયેલા યતીષભાઈ અને સ્મિત પરમારને આતંકીઓએ ગોળી મારી દીધી હતી. એ પણ પત્ની અને પરિવારની સામે જ... જીવનના આધાર સમાન પતિ અને વહાલસોયા પુત્રને ગુમાવનાર કાજલબેન તેમના સુધબુધ ગુમાવી ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે તેમને સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે વિલાપ કરતા કાજલબેન એટલું જ રહી શક્યા કે, સાહેબ...મારું ઘર વિખેરાઈ ગયું..કાજલબેનના આ શબ્દોએ મુખ્યમંત્રી સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવાર સાથે ફરવા ગયેલા લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
મહત્વનું છે કે, પરમાર પરિવાર અને તેમનું ગ્રુપ બૈસરન ઘાટીમાં ફરી રહ્યા હતા ત્યારે જ આ આતંકી હુમલો થયો. જેમાં યતીષભાઈ અને સ્મિતને ગોળી મારવામાં આવી હતી. સ્મિતને કલમા પઢવાનું પણ કહેવામાં આવ્યું હતું. પતિ અને પુત્રને ગોળી વાગતી જોઈ પત્ની કાજલબેન બેહોશ થઈ ગયા હતા. હોશમાં આવતા જ તેઓ પતિ અને પુત્રની શોધખોળ કરી રહ્યા હતા. અને જ્યારે તેમને બંનેના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા. આવી જ સ્થિતિ પરમાર પરિવારની છે, તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોનાં મોતને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ભભુકતો દાવાનળ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.