)
Commonwealth Games 2030 : છે તો આ જ્યોતિષશાસ્ત્રના ફળાદેશ જેવું, પરંતુ તેને રાજકીય વર્તારો પણ કહી શકાય. રાજ્યના રાજકારણમાં જે રીતે ભાજપના યુવા નેતા હર્ષ સંઘવી એક પછી એક હરણફાળ ભરી રહ્યા છે એ જોતાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવીને તેમની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું ગણાશે. આટલાં વિશાળ અને વૈશ્વિક સ્તરના આયોજનની સફળતા થકી તેમનું કદ વિરાટ બની શકે છે, પરંતુ રાહમાં મુશ્કેલીઓ અને જોખમો પણ ઓછાં નથી. યુવા નેતા હર્ષ સંઘવી ગુજરાતના રાજકારણમાં તૂફાની ગતિએ આગળ વધી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ-2030ની અમદાવાદની યજમાની સુરક્ષિત કરીને તેમણે પોતાની કારકિર્દીમાં સૌથી મોટું પીછું ઉમેર્યું છે. આ વૈશ્વિક જીતથી નાયબ મુખ્યમંત્રી તરીકે તેમનું કદ આસમાનને આંબી ગયું છે. આટલા વિશાળ આયોજનની સફળતા તેમને રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે પ્રસ્થાપિત કરી શકે છે.
ગુજરાતની યુવા હવા
વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર રાજ્યની વસ્તી આશરે 6 કરોડ જેટલી હતી, જે 2025માં વધી 7.30 કરોડ થઈ હોવાનું અનુમાન છે. તેમાં 18થી 45ની વય ધરાવતાં લોકોની સંખ્યા સ્હેજે 3.5થી 4 કરોડ જેટલી હોઈ શકે. સ્પોર્ટ્સ અને કોમનવેલ્થ જેવી ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં આ વયજૂથને સૌથી વધુ રસ હોય તે સહજ છે. આથી યુવા મતદારોમાં રાજ્ય સરકાર, ભાજપ અને સવિશેષ તો હર્ષ સંઘવીના બ્રાન્ડિંગ માટે આ ઈવેન્ટ બહુ મોટો ભાગ ભજવશે. આ ઈવેન્ટ યુવા મતદારોમાં ભાજપ અને સવિશેષ તો હર્ષ સંઘવીના બ્રાન્ડિંગ માટે ગોલ્ડન ચાન્સ છે. આના થકી ગુજરાતની 'યુવા હવા' તેમના પક્ષમાં મજબૂત બનશે. ભાજપના યુવા નેતા હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સ-2030ને અમદાવાદ લાવીને માત્ર સિદ્ધિ નથી મેળવી, પણ ગુજરાતના અર્થતંત્રને ટર્બોચાર્જ કરવાનો અવસર સર્જ્યો છે. તેમની આ જીતથી તેમનો પ્રભાવ અને કદ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે.
Under the decisive leadership of Hon’ble PM Shri Narendra Modi Ji, India has proudly secured the hosting rights for the Commonwealth Games 2030.
At Shrimad Rajchandra Mission Dharampur Ashram, a warm and heartfelt welcome was extended to Hon’ble CM Shri Bhupendra Patel Ji and… pic.twitter.com/VRpbiq2Tb8
— Harsh Sanghavi (@sanghaviharsh) November 28, 2025
આયોજનનો ફાયદો પણ મળવો જોઈએ
ગોલ્ડન ડિવિડન્ડ: લખલૂટ ખર્ચ કરીને આવા તગડાં આયોજન કરવા પાછળ જે-તે દેશનો હેતુ એ હોય છે કે આવી ઈવેન્ટ નિમિત્તે રોજગારી વધે, નોકરીઓનું સર્જન થાય, વેપાર-ધંધા મજબૂત થાય અને પ્રવાસનને વેગ મળે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ કોસ્ટ ખાતે કોમનવેલ્થનું સફળ આયોજન કરીને દરિયાકાંઠે વસાવેલાં એ સ્થળને જગતભરમાં પર્યટન સ્થળ તરીકે એવી નામના અપાવી દીધી કે એ પછી ગોલ્ડ કોસ્ટમાં 40 ટકા ટુરિસ્ટ વધ્યાં. આ ફાયદો અમદાવાદ અને ગુજરાતને પણ મળી શકે છે. જેને લીધે કુલ મિલા કે, આયોજન અને મહેનત પાછળ જે ચહેરો હોય એ જ આ સફળતાના હકદાર તરીકે વધુ ચમકશે.
કોમનવેલ્થ સાથે આ પડકાર પણ ઓછા નથી
પરંતુ આટલું મોટું આયોજન હોય અને તેમાં પડકારો, જોખમો ન હોય એ શક્ય નથી. અગાઉ યુપીએ સરકારના શાસન વખતે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ અને સુરેશ કલમાડીના કૌભાંડો હજુ ય ભૂલાયા નથી. આથી કોમનવેલ્થ ગેમ્સ સંબંધી બાંધકામોમાં સૌથી વધુ તકેદારી રાખવી પડશે. અમદાવાદનો ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે. ગેમ્સ ભલે શહેરના મર્યાદિત વિસ્તારમાં હોય પરંતુ તેને લીધે શહેરમાં અન્યત્ર ટ્રાફિક જામ થતો રોકવો એ બહુ મોટો પડકાર બની રહેશે. એ માટે યોગ્ય આયોજન સાથે હાલના નિર્માણાધીન ફ્લાયઓવર્સ, અન્ડરપાસ વગેરે કામગીરી સમયસર પૂરી કરવી પડશે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ મજબૂતીથી નજર રાખવી પડશે. જો આ સઘળી પરીક્ષામાં પાસ થવાશે તો ગુજરાતની જનતાનો હર્ષ અને હર્ષ સંઘવીનો યશ જરૂર વધશે.