)
Gujarat Congress : આ મહિને 8 અને 9 એપ્રિલના રોજ મળનારા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના અધિવેશન માટે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે. અધિવેશનને સફળતા પુર્વક પાર પાડવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સિનિયર નેતાઓની આગેવાનીમાં કુલ 17 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સરદાર પટેલ સ્મારક ખાતે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ સમિતિ અને રિવર ફ્રન્ટ ખાતે યોજાનારા અધિવેશન માટેની સમિતિ ઉપરાંત એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઓલ ઈન્ડિયા કાંગ્રેસ સમિતિના અધિવેશનમાં એઆઇસીસી ડેલિગેટ્સને સ્થાન મળે છે. અમદાવાદ ખાતે યોજાનારા અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ્સ સિનિયર નેતાઓ અને સક્રિય કાર્યકરોને સ્પેશ્યિલ ઈન્વાઇટી તરીકે અધિવેશનમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે. એઆઇસીસીના અધિવેશન માટે અમદાવાદમાં 1500 કરતાં વધારે રૂમ બુક કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ માટે આ અધિવેશન કેમ જરૂરી
કોંગ્રેસ ગુજરાતમાં કંઈક એવું કરવા જઈ રહી છે, જેને આખું ભારત જોતું રહી જાય. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. કોંગ્રેસનું 84 મું અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાનારું છે. આ સાથે જ મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150માં જન્મજયંતી વર્ષને ધ્યાનમાં લઈ આ અધિવેશનનું આયોજન કરાયું છે. સાબરમતી કાંઠે યોજનારા આ ભવ્ય સમારોહ માટે ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. કારણ કે, તેમાં કોંગ્રેસના દેશભરમાંથી 300 જેટલા કોંગ્રેસના નેતાઓ સામેલ થશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો પણ સામેલ થશે.
ભાજપને ગુજરાતમાં હારવવું કેમ જરૂરી
કોંગ્રેસ સમજી ગયું છે કે, જો આગળ વધવું હશેતો ગુજરાતમાં જ ભાજપને હરાવવું જરૂરી છે. ભાજપ ગુજરાતમાં મજબૂત છે. ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે. આ ઉપરાંત ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય મંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય પણ છે. તેથી કોંગ્રેસે અત્યારથી ગુજરાતમાં મોરચો માંડી દીધો છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સાથે પણ કાર્યકરો રહેશે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યો સાથે 267 કાર્યકરોની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. મતલબ કે દરેક ડેલિગેટસ સાથે એક કાર્યકરને રાખવામાં આવ્યા છે.
એક તરફ જ્યાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો જમાવડો થવાનો છે, ત્યાં બીજી તરફ અમદાવાદમાં હોટલ બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. શહેર અને આસપાસની હોટલના 2000 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. તો અમદાવાદની ટોચની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.
આ ઉપરાંત નેતાઓને લાવવા અને લઈ જવા માટે કારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને કામે લગાડાયા છે. કાર સેવામાં હાજર રહેવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. કાર્યકરો કાર સેવા ઉપરાંત બહારથી પણ કારની સુવિધા લેવામાં આવશે. આ માટે ખાનગી ટ્રાવેલ્સમાં બુકિંગ કરાયા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા જુદા જુદા રાજ્યોમાંથી આવનારા વિવિધ પ્રદેશના લોકો માટે હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયા સહિતની ભાષાના જાણકાર હોય તેવા ગુજરાતનાં કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે. જે બાદ એક ટીમમાં 3-3 કાર્યકર્તાઓની પસંદગી કરી હતી. આમ કૂલ 120 કાર્યકરોની 40 જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે.