)
અમદાવાદઃ વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યુ છે. અમદાવાદમાં સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને સાબરમતી તટે 8-9 એપ્રિલ એમ બે દિવસ અધિવેશનમાં હાજરી આપવા માટે દિગ્ગજો ગુજરાત પહોંચી ગયા છે. દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય બની છે ત્યારે અમદાવાદમાં યોજાનારું અધિવેશન કોંગ્રેસ માટે મહત્વનું બની રહેવાનું છે.
1961 પછી ગુજરાતમાં યોજાઈ રહેલા AICCના રાષ્ટ્રીય અધિવેશનમાં ક્યાં દિગ્ગજો હાજર રહેશે તેની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત દેશમાંથી 3 હજારથી વધુ ડેલિગેટ આ અધિવેશનમાં આવશે. તો આ અધિવેશનમાં પ્રિયંકા ગાંધી વાડરા પણ હાજરી આપવા માટે આવી શકે છે.
ગુજરાતમાંથી તો જાણે કોંગ્રેસ પાર્ટી સાફ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં જ રાષ્ટ્રીય અધિવેશન કરીને કોંગ્રેસ નેતાઓ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસનું અધિવેશન સફળ થાય તે પહેલાં જ ભાજપે કોંગ્રેસ નેતાઓ પર પ્રહાર શરૂ કરી દીધા છે. ગત 8 માર્ચે ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ જ કહ્યુ હતુ કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે, એક રેસના ઘોડા અને બીજા લગ્નના વરઘોડા... ત્યારે આજ નિવેદનને ટાંકીને ઋષિકેશ પટેલે પ્રહાર કર્યો કે કોને ઘોડા ગણવા અને કોને ગધેડા ગણવા એની સમજ કોંગ્રેસને રહી નથી. તો બીજી તરફ ભાજપના પ્રહારનો વળતો જવાબ આપતા અમિત ચાવડાએ કહ્યુ કે કોંગ્રેસમાં હવે ઘોડા જ રહ્યા છે, બાકીના ભાજપમાં જતાં રહ્યા છે.
રાહુલ ગાંધીએ પહેલા જ રેસના અને લગ્નના ઘોડા અંગે નિવેદન આપીને કોંગ્રેસ નેતાઓને ચેતવી દીધા હતા કે લગ્નના ઘોડાઓને હવે દૂર કરવા પડશે. રાહુલ ગાંધીની ચેતવણી પછી ગુજરાતમાં જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યુ છે. ત્યારે ઘણા નેતાઓમાં ડર પણ હશે કે તેઓ લગ્નના ઘોડા સાબિત ન થઈ જાય અને તેમનું રાજકારણ કદાચ ખતમ ન થઈ જાય... હવે જોવાનું તો એ જ રહેશે કે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન કરીને કોંગ્રેસ નેતાઓમાં પાર્ટીમાં રહેલા ઘોડા ગધેડા ઓળખી શકશે ખરા, અને જો ઘોડા- ગધેડા ઓળખી પણ લેશે તો શું કોંગ્રેસ પાર્ટીનો ઉદ્ધાર થશે ખરો... એ તો આગામી સમય જ બતાવશે....
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઘોડા-ગધેડા પર રાજકારણ શરૂ, કોંગ્રેસના નેતાએ ભાજપના કયા નેતાઓને ગધેડા કહ્યા
8 એપ્રિલ, મંગળવારનો કાર્યક્રમ
સવારે 11 કલાકે કોંગ્રેસ કાર્યકારીણી (CWC) બેઠક, સ્થળ - સરદાર સ્મારક, શાહીબાગ
સાંજે 5 કલાકે પ્રાર્થના સભા, સાબરમતી આશ્રમ
સાંજે સાંજે 7.45 કલાકે, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાબરમતી તટ, સાબરમતી રિવરફ્રન્ટ
9 એપ્રિલ સવારે 9:30 કલાકથી રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય અધિવેશન
અધિવેશનમાં વિવિધ ઠરાવ પાસ કરાશે
2025 માં અમદાવાદમાં કોંગ્રેસનું વધુ એક અધિવેશનમાં મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર 9 એપ્રિલે યોજાશે. અધિવેશન માટે 2 હજાર લોકોની ક્ષમતાનો એસી ડોમ તૈયાર કરાઈ રહ્યો છે. સવારે 9:30 કલાકથી સાંજ 5 વાગ્યા સુધી અધિવેશન ચાલશે. અધિવેશનમાં અલગ-અલગ ઠરાવ કરવામાં આવશે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશનું કહેવું છે કે પાર્ટીના 140 વર્ષના ઈતિહાસમાં આ ગુજરાતમાં કોંગ્રેસનું છઠ્ઠું અધિવેશન છે. તેમણે જણાવ્યું- ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની પ્રથમ આવી બેઠક અમદાવાદમાં 23-26 ડિસેમ્બર 1902 ચ્ચે સુરેન્દ્ર નાથ બેનર્જીની અધ્યક્ષતામાં થઈ હતી. કોંગ્રેસની બીજી બેઠક ગુજરાતના સુરતમાં 26-27 ડિસેમ્બર 1907ના રાસ બિહારી ઘોષની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જયરામ રમેશે કહ્યુ કે ગુજરાતમાં પાર્ટીનું ત્રીજુ અધિવેશન 27-28 ડિસેમ્બર, 1921ના હકીમ અજમલ ખાનની અધ્યક્ષતામાં યોજાયું હતું. ત્યારબાદ હરિપુરામાં 19-21 ફેબ્રુઆરી 1938ના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની અધ્યક્ષતામાં પાર્ટીનું અધિવેશન મળ્યું હતું. જ્યારે ભાવનગરમાં 6-7 જાન્યુઆરી 1961ના નીલમ સંજીવ રેડ્ડીની અધ્યક્ષતામાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. હવે 2025માં કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે.