સાવ આવું! રાજકોટમાં 555 નવવધૂને બગસરાનો માલ પધરાવ્યો! આયોજનમાં ભાજપના જ નેતાઓ સામેલ
Rajkot News: રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે. એક પરિવાર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર કચેરીમાં 7 આયોજક સામે કરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ફરી એક વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનમાં વિવાદ સામે આવ્યો છે. શિવાજી સેના આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરિયાવરમાં સોના- ચાંદીના ઘરેણાંને બદલે નલકી ઘરેણાં આપવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જોકે શિવાજી સેના ગુજરાતના આયોજકોએ સોનાના કોઈ દાગીના આપ્યા જ નથી કહીને પોતાનો બચાવ કર્યો છે. પોલીસમાં અરજી થતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.
- સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કેમ થાય છે છેતરપીંડી ?..
- સમૂહ લગ્નનું આયોજનમાં ભાજપના જ નેતાઓ સામેલ..
- નકલી વીંટી, સોનાની ચૂંક, ચાંદીના સિક્કા પણ ખોટા..
- પોલીસમાં અરજી, FIR ક્યારે ?..
રાજકોટના કુવાડવા નજીક 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોના અને ચાંદીના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે, આ દાગીના અસલી નહીં, પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જોકે, મુખ્ય આયોજક અને શિવાજી સેનાનાં પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહલગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે.
વિક્રમ સોરાણીએ આ ઘટનાને 'સમજણફેર' ગણાવી અને કહ્યું કે, આ પ્રકારની ઘટના બનવી દુઃખદ છે. તેઓ સમૂહલગ્નની જવાબદારી સ્વીકારે છે અને જો કોઈને અન્યાય થયો હશે તો તેઓ તેને દૂર કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશે. આ છતાં, પીડિત પરિવારો આયોજકોના આ ખુલાસાથી સંતુષ્ટ નથી. તેમનું માનવું છે કે, આટલા મોટા પાયે આયોજિત સમૂહલગ્નમાં આપવામાં આવતી તમામ ભેટ-સોગાદોની ગુણવત્તાની ચકાસણી કરવી આયોજકોની જવાબદારી હતી. નકલી દાગીના પકડાઈ જવાના કારણે અનેક પરિવારોને માનસિક અને સામાજિક રીતે ભારે આઘાત લાગ્યો છે. તેઓ આ ઘટનાને આયોજકોની બેદરકારી અને છેતરપિંડી ગણાવી રહ્યા છે.
સમૂહલગ્નની કંકોત્રીમાં આયોજકોમાં બોમ્બે સુપરસીડના માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલનું પણ નામ છે. અરજદારે વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલના નામ સાથે પોલીસમાં અરજી કરી છે. ત્યારે આ મામલે પિન્ટુ પેટેલે જણાવ્યું કે, જે સમુહલગ્નનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં ક્યાંય હું આયોજક તરીકે નથી. હું દાતાઓની ભૂમિકામાં હતો. કુવાડવા વિસ્તારમાં સમુહલગ્ન થતા હોવાથી વિક્રમ સોરાણી અને તેની આખી ટીમ મારી પાસે આવી હતી.
તેઓએ મને કહ્યું હતું કે, તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ, આજુબાજુના કારખાના-ઈન્ડસ્ટ્રિયલમાં સાથે રહીને જે કઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને મદદરૂપ થાય. આ એક સહયોગથી હું તેમની સાથે રહ્યો છું. મારા કહેવાથી બધા દાતાઓએ દાન કરેલું છે. આર્થિક સહયોગ કરેલો છે. બાકી અમારો આમાં કોઈ રોલ હોતો નથી. અમારો રોલ એક દાતા તરીકે હોય છે કે, અમે આપેલું ભંડોળ એક સારા કાર્ય માટે વપરાય. અમને પાછળથી શું થાય તેની અમને કઈ ખબર ન હોય. વિક્રમભાઈ તમામ જવાબદારી સંભાળતા હોય તો અમને ખબર પણ ન હોય કે શું કામ ચાલી રહ્યું છે. જે દાન મળેલું છે. તેના માટે મેં મહેનત કરેલી છે.
આ ઘટનાએ રાજકોટના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાના ઉમદા હેતુથી આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ નકલી દાગીનાના પ્રકરણથી સમગ્ર આયોજનની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે. શું દાતાઓએ ખરેખર નકલી દાગીના આપ્યા હતા કે પછી આયોજનમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હતી? હાલમાં તો પોલીસ દ્વારા પીડિત પરિવારની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ આયોજકો અને દાતાઓ સાથે વાતચીત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે