ભાવનગર : મોત નજર સામે જોઈને 55 દિવસે કોરોનામાંથી બેઠાં થયાં પંકજભાઈ

Updated By: Jun 6, 2021, 03:06 PM IST
ભાવનગર : મોત નજર સામે જોઈને 55 દિવસે કોરોનામાંથી બેઠાં થયાં પંકજભાઈ
  • ભાવનગર જિલ્લા પંચાયતમાં બે મહિના પહેલા એકસાથે 35 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. તેમાં પંકજભાઈ દવે પણ હતાં
  • કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટીવ આવ્યો હતો

નવનીત દલવાડી/ભાવનગર :૪૦ ટકા ઓક્સિજન લેવલ અને ફેફસાનું ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ છતાં ગારીયાધારના પંકજભાઈ દવેએ 55 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. જોકે, કોરોનાની બંને રસી લીધી હોવાથી પંકજભાઈની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બની હોવાથી કોરોનાને પછડાટ આપવામાં સફળ થયાં છે. પંકજભાઈની મનની મજબૂતાઈએ કોરોના સામે ઝીંક ઝીલી છે.  

રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. ત્યારે આવી જ લાંબી સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલાં ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં 53 વર્ષીય પંકજભાઈ હરગોવિંદભાઈ દવેએ રસીના બંને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 40 ટકા ઓક્સિજન લેવલ સાથે ફેફસાંમાં ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ હોવા છતાં 55 દિવસની લાંબી સારવાર બાદ સર ટી. હોસ્પિટલના બિછાનેથી કોરોનાને મ્હાત આપી બેઠાં થયાં છે. 

આ પણ વાંચો : વલસાડમાં પકડાઈ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, યુવકના જન્મદિન પર બંધ બારણે ચાલતો હતો ખેલ

ભાવનગર જિલ્લા પંચાયતમાં બે મહિના પહેલા એકસાથે 35 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. તેમાં પંકજભાઈ દવે પણ હતાં. આ સમયે સમગ્ર જિલ્લા પંચાયતને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને બંધ કરવામાં આવી હતી. 

કોરોના વોરિયર તરીકે તેમણે કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. હોમ આઇસોલેટ બાદ શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા હોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ  ઓક્સિજન લેવલ ૪૦ સુધી ઘટી ગયેલું હોવાથી તેઓને તા.૧૧ એપ્રિલના રોજ ગારિયાધારથી એમ્બ્યુલન્સ મારફત વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. જ્યાં તેમની સ્થિતિ જોઈને તેમને બાયપેપ પર રાખવામાં આવ્યાં હતાં.  

આ પણ વાંચો : શુ ભાજપના નેતાના પુત્રને આ રીતે નિયમોના ધજાગરા ઉડાડવાનું લાયસન્સ મળ્યું છે? જુઓ Video

૮-૧૦ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં ૨૪ એપ્રિલના રોજ તેમને એન.આર.બી.એમ પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તા. 26 એપ્રિલના રોજ જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે એકાએક તબિયત બગડતા ફરી આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા અને ફરીથી બાયપેપ પર રાખવાની ફરજ પડી હતી.

ફેફસાંનું ઇન્ફેક્શન ૯૦ થી ૯૫ ટકા હતું. આ સાથે તેમનું ડી-ડાયમર ૫૦૦૦ થી ૬૦૦૦ અને ઓક્સિજન લેવલ ૬૦ ટકા જેટલું હતું. જેથી તેમને બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. દરમિયાન તેમને રેમડેસિવીર સહિતની સારવાર આપવામાં આવતાં તબીબોની સારવાર અને પંકજભાઈની મનની મક્કમતાના લીધે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હતો. જેથી સિવિલમાં દાખલ કરાયાના ૩૦ દિવસ બાદ તેમને ૧૫ લિટર ઓક્સિજન સાથે એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નવા રૂપરંગમાં જલ્દી જ ખુલ્લો મૂકાશે જૂનાગઢનો તાજમહલ, રીનોવેશનનું 60 ટકા કામ પૂર્ણ  

સર ટી. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સારવારની સાથે માનસિક રીતે મજબૂત કરવાં કાઉન્સેલિંગ તેમજ એકસરસાઈઝ, ચેસ્ટ ફિઝીયોથેરાપી સહિતની સારવાર આપવા છતાં તેમનો ઓક્સિજન લેવલ સુધરતું નહોતું. આ રીતે સતત ૪૫ દિવસ સુધી સારવાર આપ્યા બાદ સી.ટી. સ્કેન કરવામાં આવ્યું તો પણ પંકજભાઈના ફેફસામાં ઇન્ફેક્શન દૂર થતું નહોતું. જેથી પરિવાર અને સારવાર કરતાં તબીબોની ટીમ પણ નિરાશા અનુભવતી હતી. પરંતુ બીજા ૮ દિવસની સારવારમાં  પંકજભાઈના ઓક્સિજના લેવલમાં ફરી સુધારો થયો અને ફરી સીટી સ્કેન કરતાં તેમા ૨૫/૧૫ પોઇન્ટનો રિપોર્ટ આવ્યો. તબિયતમાં સુધારો થતાં પરિવાર તેમજ તબીબોમાં જુસ્સો વધ્યો અને અંતે ૫૪ દિવસની સારવારના અંતે ઓક્સિજન લેવલ ૯૦ આસપાસ આવતાં તેમને વોકિંગ કરાવવામાં આવ્યું તો પણ વાંધો ન આવ્યો.

આ પણ વાંચો : વડોદરા : ઘરે જવાની જીદ કરતા દર્દીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી કૂદીને આત્મહત્યા કરી

પંકજભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાથી નોર્મલ ૧ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યાં. પરિવારની વિનંતીથી અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જવાથી ૫૫ દિવસની સારવાર બાદ તા.૪ જૂન ના રોજ તેમને સર ટી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સર ટી હોસ્પિટલના તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફમાં એસો.પ્રોફેસર એનેસ્થેસિયા ડો.લોપાબેન ત્રિવેદી, ડો.કોમલબેન શાહ, ડો.શિલ્પાબેન દોશી, ડો.ચંદ્રિકાબેન પંડ્યા, ડો.ચૈતાલી બેન શાહ, ડો વનરાજ ચૌહાણ અને મેડિસિન વિભાગના ડો સુનિલ પંજવાણી, ડો.પન્ના કામદાર, અલ્પેશ વોરા, ઇલા હડિયલ, પંકજ અમોલકર, કૃણાલ તલસાણીયા, જિજ્ઞાબેન દવે, નિશાદ ગોગદાની, રેસી.ડોકટરો, વોર્ડ બોય, નર્સિંગ સ્ટાફ સહિતનાઓની કાળજીભરી સારવાર કરી કોરોના સંક્રમણથી બચાવ્યા હતાં.