વાયુ વાવાઝોડું Live Updates : ગુજરાતના દરિયા તરફ આવતું વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. 

વાયુ વાવાઝોડું Live Updates : ગુજરાતના દરિયા તરફ આવતું વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

અમદાવાદ :રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. પણ ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે. જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે. 

પીએમ મોદીએ સીએમ રૂપાણીને ફોન કર્યો
હાલ પીએમ મોદી વિદેશ પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણીને ફોન કરીન વાવાઝોડાના અપડેટ મેળવ્યા હતા. સીએમઓ ગુજરાત દ્વારા કરવામાં આવેલી ટ્વિટમા ઉલ્લેખ કર્યો કે, વાવાઝોડાની અસર સામે પહોંચી વળવા માટે સેન્ટ્રલ ગર્વમેન્ટ તરફથી તમામ મદદ પહોંચાડવામાં આવશે. 

વાયુ વાવાઝોડાથી પોરબંદર પંથકમાં શું થઇ અસર? જુઓ વીડિયો

વિવિધ વિસ્તારોમાંથી Live :

  • અલંગના દરિયાકાંઠે 20 ફૂટ કરતાં વધુ ઉંચા મોજા ઉછળતાં અલંગની કામગીરી બે દિવસ માટે બંધ કરાઈ છે. અલંગ અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો દરિયામાં પણ હાઈટાઈડ જોવા મળી રહ્યું છે. અલંગના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. 

  • પોરબંદરના માધુપુરમાં મકાન ધરાશાયી થતાં 3ને ઈજા થઈ.

  • રાજ્યમાં આજ સવાર 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 61 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો. તો અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 445 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયો છે. 840 ફીડર બંધ,  836 વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત, 70 ટ્રાન્સફોર્મર બંધ પડ્યા છે.

  • જામનગર ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કોર્ટની કાર્યવાહી બંધ કરાઈ. જામનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજે દ્વારા આદેશ અપાતા મુખ્ય કોર્ટ સહિત તમામ નાની કોર્ટ પણ બંધ કરવામાં આવી

  • પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ. પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની થઈ. પવનની ગતિ વધતા પોરબંદરમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. તો વેરાવળથી વાવાઝોડું માત્ર 100 કિલોમીટર દૂર છે.

  • જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં મહિલાને પ્રસુતિ થતા દરિયામાંથી રેસ્ક્યુ ઓપરેશન કરાયું. મહિલાને તાત્કાલિક સારવાર પહોંચાડવા માટે કોસ્ટગાર્ડ, એન.ડી.આર.એફ. ટીમ, પીપાવાવ મરીન પોલીસ, વહીવટી તંત્ર, 108 ડોક્ટરોનો કાફલો પોર્ટની જેટીએ પહોંચ્યો. બોટ મારફત દરિયા વચ્ચે થી મહિલા ને રાજુલા હોસ્પિટલ પહોંચાડાઈ. ડિલિવરી દરમિયાન બાળકીનો જન્મ થયો.

  • જામનગર કલેક્ટરે મેસેજ આપ્યો કે, આગામી એક કલાકમાં જામનગરમાં વાવાઝોડાની અસર દેખાશે. આગામી એક કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થશે, જે 24 કલાક સુધી આ પરિસ્થિતિ રહી શકશે. 

  • હવામાન વિભાગના જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોરબંદરમાં હવાની ગતિ 7૦ કિમી પ્રતિ કલાકની થઇ છે. ત્યારે હજુ પવનની ગતિ વધી શકે છે. 7૦૦ કિમીના ઘેરાવમા વાવાઝોડું ફેલાયેલું છે. 

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 9 વાગ્યા સુધીમાં 37 તાલુકાઓમાં અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું.

  • કંડલામાં વાયુની અસર દેખાવા લાગી. વાવાઝોડાની દિશા બદલાઈ, પરંતુ કંડલામા ભારે પવન અને વરસાદની શક્યતા યથાવત છે. હાલમાં પણ કંડલા બંદરે પવનની ગતિ વધી ગઈ છે. બપોર બાદ પવનની ઝડપ વધે અને ભારે વરસાદની શક્યતા છે. 

  • પોરબંદર દરિયા કિનારે ભારે પવનને કારણે દરિયા કાંઠે આવેલ ભૂતેશ્વર મહાદેવનો મોટો હિસ્સો તૂટીને દરિયામાં પડ્યો. 
  • વાયુ વાવાઝોડાની નવસારીમાં અસર શરૂ થઈ ચૂકી છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રવેશવાના શરૂ થતા ગામલોકોની ચિંતામાં વધારો થયો છે. તો સુરક્ષાને પગલે પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર થઈ ગયો.
  • દીવમાં ભયજનક 9 નંબરના સિગ્નલને ઉતારીને 8 નંબરનું સિગ્નલ લગાવાયું.
  • મહીસાગરના ખાનપુર તાલુકાના ત્રાકડી ગામે મોડી રાત્રે વીજળી ત્રાટકતા એક ઘર ધરાશાહી થયું. વીજળીને પગલે પૂરા ઘરનું છાપરું તૂટી ગયું અને ઘરની ચીજ વસ્તુઓને નુકશાન થયું છે. એટલું જ નહિ, ઘરના સભ્યોને પણ નાની-મોટી ઇજાઓ થઈ છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ ઘટનાને પગલે તલાટી તેમજ મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, તાલુકા વિકાસ અધિકારી ટૂંક સમયમાં પહોંચશે
  • વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું, પણ 15 જૂન સુધી ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે

    દરિયામાં કરંટ વધ્યો 
    વેરાવળ સહિત સમગ્ર જિલલામાં સમુદ્રમાં કરંટ વધ્યો છે. તો ગઈકાલથી ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં આવનાર વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે નવસારીના ઉભરાટ દરિયા કિનારે પ્રવાસીઓને દરિયાકિનારે આવવા દેવામાં આવતા નથી. તો દરિયામાં મોજા પણ ઉંચે સુધી ઉછળી રહ્યા છે. સાથે જ સ્ટોલ પણ બંધ કરાવી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. જાફરાબાદ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 5 મીટર ઊંચે મોજા ઉછળી રહ્યાં છે. 

    આ વિસ્તારોમાં વરસાદ 
    ભાવનગર ના સિંહોર, પાલીતાણા આજુબાજુના વિસ્તારો વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો હજી પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. બોટાદના ગઢડા અને અજીબાજુના વિસ્તારો તથા તળાજામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ દરિયામાં વધુ કરંટને કારણે ઊંચે મોજા ઉછળી રહ્યાં છે.

    વાવાઝોડાને પગલે નુકશાન
    અરવલ્લીમાં આવેલ વંટોળનો માહોલ જામ્યો છે. અરવલ્લીના બાયડના તેનપુરમાં તબેલાઓને નુકશાન થયું છે. તો શણગાલ ગામ પાસે અનેક વૃક્ષો પડી ગયા છે. તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન તૂટેલા વૃક્ષોને દૂર કરાયા હતા. વંટોળના કારણે વીજપોલ પણ તૂટી ગયા છે. જેથી વીજળી પૂર્વવત કરવા કામગીરી વીજ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તો બીજી તરફ, દ્વારકામાં 100 વર્ષ જૂનુ વટવૃક્ષ તૂટ્યું પડ્યું છે. જેને કારણે રસ્તો બ્લોક થયો હતો, પણ બાદમાં તેને તાત્કાલિક હટાવી લેવાની કામગીરી કરાઈ હતી. કોડીનારના માઢવાડમાં દરિયાની થપાટથી વધુ 5 મકાન ધારાશાહી થયા છે. અહીં ગઈકાલે પણ 2 મકાન જમીનદોસ્ત થયા હતા. આમ, કોડીનારમાં કુલ 7 જેટલા મકાન ધારાશાહી થયા છે. 

    સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news