Inhuman Atrocities On Women In Dahod VIDEO : દાહદોના સંજેલીમાં સમાજને શર્મસાર કરતી ઘટના.... ગામલોકોએ અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વરઘોડો કાઢ્યો... બાઈક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી.. પ્રેમીને મળવા આવી હોવાના આરોપ સાથે અમાનવીય હરકત..

Dahod News : આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા. સંજેલીના ઢાલસૂમળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોનો આરોપ તેના પર મૂકાયો છે.
મહિલા પ્રેમી સાથે પકડાતા તાલિબાની સજા અપાઈ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાના ઢાલસૂમળ ગામે 35 વર્ષીય પરિણીતા મહીલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 વ્યક્તિઓ ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઈક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઈકના કેરીયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી. એટલું જ નહિ, આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ઘટનાના સળગતા સવાલ
વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ
વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ફરિયાદ દાખલ
બાહદુર કાંતી ડામોર- સસરા, સંજય બાહદુર ડામોર, કીર્તન કાંતી ડામોર, રાજુ ધર્મેન્દ્ર રાજુ ડામોર, હંસા રાજુ ડામોર, હીમંત ડાભોર, રમીલા સિસોદીયા, સીતા વિનોદ, ચંપા બાહદુર ડામોર, ગોવિંદ ભરત ડામોર, કલ્યાણ ડામોર, હીમત ગેદાલ ડામોર, વર્ષા પપ્પુ ડામોર, વિક્રમ બહાદુર પગી
સખત કાર્યવાહી કરીશું - ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે નિવેદન આપતા જણાવ્યું કે, દાહોદની ઘટના સમાજ માટે દુઃખદાયક અને શરમજનક બાબત છે. ગૃહ વિભાગે સુઓમોટો કરીને ફરિયાદ કરી છે. 15 જેટલા ઘટનાના આરોપીને પકડી લેવામાં આવ્યા છે. આવી ઘટનામાં સખત કાર્યવાહી થશે.
ઘટના બાદ મહિલાનું રેસ્ક્યૂ કરાયું
આ વિશે દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં મહિલાને માર મારવાની ઘટનાની જાણ પોલીસને થતા dysp સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસ્ક્યું કરાયું હતું. પોલીસે મહિલા ના નિવેદન ના આધારે 15 લોકો પર ગુનો નોંધ્યો છે. અત્યાચાર કરનાર 12 ઈસમોની કરાઈ ધરપકડ અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું
દાહોદની શરમજનક ઘટના પર આપ નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું. તેમણે કહ્યું કે, દાહોદમાં એક મહિલાને અર્ધનગ્ન કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું. મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ગુજરાતની મહિલાઓની સુરક્ષા ન કરી શકનાર મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં કોમન થઈ ગઈ છે અને હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ થઈ રહી છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.