અન્નદાતા પર આફત! ઉનાળો આવતા જ દેખાયા ડેમના તળિયા, સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ
Banaskantha News: ઉનાળો શરૂ થતાં જ સરહદી જિલ્લા બનાસકાંઠામાં ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. સૌથી મોટા દાંતીવાડા ડેમમાં નહીંવત કહી શકાય તેવું પાણી રહેતા સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. ત્યારે ખેડૂતો શું કરી માગ રહ્યા છે?
Trending Photos
Banaskantha News: ઉનાળોની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શહેરો બપોરના સમયે સુમસામ થવા લાગ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ખેડૂતો પાણી વગર પરેશાન છે. જળાશયો સુકાવા લાગ્યા છે, ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સિંચાઈનું પાણી મળવાનું બંધ થઈ જતાં ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે.
ઉનાળો શરૂ થતાં જ દર વખતની જેમ આ વખતે પણ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. આ વખતે અન્નદાતા હેરાન છે. કારણ કે પાણીની તંગી. જી હા, ડેમમાં તળિયા દેખાઈ રહ્યા છે, જ્યાં પાણી હોવું જોઈએ ત્યાં માટી દેખાઈ રહી છે. દૂર દૂર નજર કરી ત્યાં તળિયા દેખાવા લાગ્યા છે. ક્રિકેટની મેચ રમી શકાય તેવી ડેમમાં સ્થિતિ થઈ છે. થોડું ઘણું પાણી બચ્યું છે તે પુરતુ નથી. જે ડેમ છલોછલ હોવો જોઈએ ત્યાં માત્ર 11.84 ટકા પાણીથી સૌથી પહેલું સંકટ ખેડૂતો પર આવ્યું છે. કારણ કે ડેમમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાયું છે.
ડેમ બન્યો ક્રિકેટનું મેદાન!
તમે જે દ્રશ્યો જોયા તે બનાસકાંઠાના દાંતીવાડા ડેમના છે. માત્ર દાંતીવાડા ડેમની સ્થિતિ આવી નથી, પરંતુ આવી જ સ્થિતિ જિલ્લાના વધુ બે ડેમ સીપુ અને મુક્તેશ્વરની પણ છે. અહીં પણ પાણી ઓછુ અને તળિયે માટીના દર્શન વધારે થઈ રહ્યા છે. આ ત્રણેય જળાશયમાં પાણી સુકાઈ જતાં સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાયું છે. પાણી બંધ કરતાં ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતો દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાંખીને સિંચાઈ માટે પાણી આપવા માગ કરી રહ્યા છે.
શું છે ખેડૂતોની માગ?
દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાંખીને સિંચાઈ માટે પાણી આપવામાં આવે. દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન નાંખવામાં આવેલી છે. પરંતુ આ પાઈપમાં ક્યારેય પાણી નાંખવામાં આવ્યું નથી. હાલ સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ છે. પોતાનો પાક સુકાતા ખેડૂતોએ હિજરત કરવાની ચીમકી આપી છે.
સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ
જ્યારે-જ્યારે ઉનાળો શરૂ થાય અને ભગવાન સૂર્યનારાયણ તેમના અસલી દર્શન આપે ત્યારે ત્યારે પાણીની સમસ્યા ગુજરાતમાં સર્જાતી હોય છે. આ વખતે તો વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ પાણી સંગ્રહવાના સારા આયોજનના અભાવે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે