)
સુરત જિલ્લાના બારડોલીથી દમણ પાર્ટી કરવા આવેલા ત્રણ પર્યટકોને પોલીસકર્મીઓએ બંધક બનાવ્યા હતા. પર્યટકો દારૂ લઈને હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમને રોકી લેવામાં આવ્યા અને ત્યાર બાદ પોલીસની ઓળખ આપી તેમને લાંબા સમય સુધી બંધક બનાવી રાખ્યા અને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી.
ખોટા કેસમાં કેસમાં ફસાવવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગ
ખોટા કેસમાં કેસમાં ફસાવવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આખરે 10 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ફરિયાદીનો પરિવાર એન આર આઈ છે અને તેઓ વિઝા માટે પણ એપ્લાય કરેલું હતું અને જો કોઈ આવો કેસ થાય તો તેમની વિદેશ જવાની ઈચ્છા પર અનેક મુસીબત આવી શકે તેમ હતી તેથી ફરિયાદી ગભરાઈ ગયા હતા. તેથી ફરિયાદીએ 7 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને 3 લાખ રૂપિયા બાદમાં આપવાની શરત પર પર્યટકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
જો કે, ભોગ બનેલાઓએ આ સમગ્ર મામલે દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં દમણ પોલીસના એક PSI સહિત 9 પોલીસકર્મીઓ સામે કેસ નોંધાયો છે. પોલીસ પર જ ખંડણી જેવા ગંભીર આરોપ લાગતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી દમણ પોલીસની શાખ પર કાળી ટીલી લાગી છે જેના કારણે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે.