)
Devayat Khavad Missing : ડાયરા કલાકાર દેવાયત ખવડ હુમલાની ઘટનાના 72 કલાક બાદ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને શોધવા માટે તપાસ તેજ કરાઈ છે. તાલાલા પોલીસ, LCBની ટીમ હાલ તપાસ કરી રહી છે. ત્યારે આજે પોલીસ દેવાયત ખવડના નિવાસે પહોંચી છે. દેવાયત ખવડના પરિવારજનોની પૂછપરછ કરાઈ.
તાલાલા પોલીસ અને lcb પોલીસ આજે દેવાયત ખવડના ઘરે પહોંચી હતી. દેવાયત ખવડની શોધખોળને લઈ પોલીસનો કાફલો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામે તેમના ઘરે પહોંચ્યો હતો. ઘરે દેવાયત ખવડ ન મળતા તેમના પરિવારના એક સદસ્યની પૂછપરછ પણ પોલીસે કરી હોવાની માહિતી સામે આવી છે. હાલ દેવાયત ખવડ ફરાર છે.
ગત રોજ તાલાલા પોલીસને હુમલા વેપરાયેલી બંને કાર મળી આવી છે. ફોર્ચ્યુનર અને ક્રેટા બંને કારો મળી આવી છે, જે ઘટનામાં સામેલ હતી. તાલાળા ધણેજ ગામની સીમ વિસ્તારમાંથી આ કાર મળી આવી છે.
દેવાયત પૂજા બનીને મેસેજ કર્યાં
બીજી તરફ દેવાયત ખવડ અને તેના માણસોએ 'પૂજા પંડ્યા' નામના ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ્રુવરાજસિંહ ચૌહાણને મેસેજ કર્યાનો ખુલાસો થયો છે. જેમાં એક મેસેજમાં લખ્યું હતું કે, આ બાજુ આવવામાં ધ્યાન રાખજે. દેવાયત અડી જશે. તો બીજા મેસેજમાં લખ્યું હતું કે, લોકેશન મોકલ. તને મળીને જઈશું. 100 ટકા લખીને રાખજે. આ મેસેજ ધ્રુવરાજસિંહ ચૌહાણને દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યા હોવાની એક થિયરી સામે આવી છે.
દેવાયત ખવડ દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ થયેલા ધ્રુવરાજ સિંહ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રુવરાજસિંહે કહ્યું કે, 10 થી 15 લોકો હુમલો કરવામાં હતા. તેઓએ મારી પાસેથી સોનાના ચેન અને રોકડ રકમની લૂંટ રકી. દેવાયત ખવડ જ મુખ્ય હતો. બંદુક બતાવી કેસ ન કરવાની તેણે ધમકી આપી હતી.
12 તારીખે સવારે 11 કલાકે તાલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ પર હુમલો કરાયો હતો. 50 ની સ્પીડે ગાડી ચલાવતા હોવા છતાં દેવાયત ખવડની ફોર્ચ્યુંનર અને એક ક્રિયેટા ગાડીએ પાંચ વખત ટક્કર મારી હતી. પછી આ બન્ને ગાડીમાંથી ઉતરેલા લોકોએ ધ્રુવરાજસિંહને માર્યો હતો. ગાડીમાં ત્રણ લોકો હતા માત્ર ધ્રુવરાજ સિંહને લોખંડના પાઇપ વડે માર માર્યો. જેથી તેના પગમાં એક ફેક્ચર અને હાથમાં બે ફેક્ચર થયા હોવાનું સામે આવ્યું.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આ બાદ બે દિવસ પહેલા દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તેજ પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો. જોકે અચાનક દેવાયત ખવડની બુકાની ખુલી જતા યુવરાસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત 16 જેટલા ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 109, 311, 118(1), 118(2), 189(2), 191(2), 191(3), 190, 61, 352, 351(3) તથા આર્મસ એક્ટની કલમ 25(1)(B)(A) તથા જી.પી.એક્ટ કલમ 135 સહિતની કલમો હેઠળ તાલાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.