)
Ambaji News: અંબાજી નજીક પાડલીયા ગામે વન વિભાગની જમીન મુદ્દે થયેલા ઘર્ષણે અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ પર તીર-કામઠાથી હુમલો કર્યો હતો, જેમાં 47 જેટલા જવાનો ઘાયલ થયા છે. પથ્થરમારા અને સરકારી વાહનો સળગાવવાની પણ ઘટના બની છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘાયલોમાંથી 36ને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 11 અધિકારીઓને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. જોકે, હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
હુમલામાં 47 જવાન ઘાયલ, PIની હાલત ગંભીર
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાંતા તાલુકાના પાડલીયા ગામે વન વિભાગની જમીન બાબતે સ્થાનિક લોકોના ટોળા અને સરકારી ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ એટલું ઉગ્ર બન્યું કે ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર તીર-કામઠા અને પથ્થરમારો કર્યો હતો. આ હિંસક હુમલામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના મળીને 47 જેટલા જવાનો ઘાયલ થયા છે.
બનાસકાંઠા
અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો
જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી
અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત@CMOGuj @InfoGujarat @CollectorBK pic.twitter.com/OTePq7qLQJ
— Info Banaskantha GoG (@infobanaskantha) December 13, 2025
આ ઘટનામાં અંબાજી PI આર.બી. ગોહિલને ગંભીર ઈજા થઈ છે. તેમને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુરની માવજત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્ત પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ પાંચ કર્મચારીઓની પરિસ્થિતિ બગડતા તેમને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. આમ, અંબાજીથી પાલનપુર રિફર કરાયેલા કર્મચારીઓનો આંકડો 16 થયો છે.
સરકારી ગાડીઓને આગચંપી અને નુકશાન
ઘર્ષણ દરમિયાન, પાડલીયા ગામે ટોળા દ્વારા પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સરકારી ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમને આગચંપી કરીને સળગાવી દેવાઈ હોવાની ચર્ચા છે, જેના દ્રશ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
પાલનપુર ધારાસભ્યએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
ઘટનાની જાણ થતા, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા એટલે તાત્કાલિક હું ખબર અંતર પૂછવા માટે આવ્યો છું. સમગ્ર ઘટના કઈ રીતે બની તેને લઈને હજુ પૂરી જાણકારી મળી નથી, પરંતુ વન પર્યાવરણ મંત્રી પ્રવીણ ભાઈ માળી સાથે આ બાબતે વાતચીત થઈ છે." આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પથ્થર અને તીર-કામઠાથી કર્યો હુમલો
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે બની હતી, જ્યારે પોલીસ, વન અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ વન વિભાગના સર્વે નંબર 9 વિસ્તારમાં નર્સરી અને વૃક્ષારોપણનું કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક લગભગ 500 લોકોના ટોળાએ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો અને તીર-કામઠાનો પણ ઉપયોગ કર્યો. આ વિસ્તાર દાંતા તાલુકામાં આવેલો છે, જે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી લગભગ 14 કિલોમીટર દૂર છે.