)
Gujarat Poltiics : ગુજરાત કોંગ્રેસમાં હાલ તમામ મોરચે વળતા પાણી થઈ રહ્યાં છે. 23 જુનનો દિવસ ગુજરાત કોંગ્રેસ માટે કાળો દિવસ રહ્યો તેવુ કહી શકાય. એક તરફ કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસના વળતા પાણી થાય છે. તો ગઈકાલે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું સોંપ્યાનો ધડકો કર્યો. તો બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર ઉપરથી થયો.
આ ખબરે સૌને ચોંકાવી દીધા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાંના સમાચારની વચ્ચે વધુ એક સમાયારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી આ પગલું લેવાયું છે. જેમાં અમિત નાયકને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમિત નાયકે કરેલી પોસ્ટ ભારે પડી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.અમિત નાયકે રાહુલ ગાંધીને સંબોધીને સોશિયલ મીડિયા પર જાહેરપત્ર લખ્યો હતો. જેમાં તેમણે પક્ષ વિરોધમાં બળાપો ઠાલવ્યો હતો.
અમિત નાયકે લખ્યું હતું કે, આપ છેલ્લા ઘણા સમય થી રેસ ના ઘોડા, લગ્ન ના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુ માં સચોટ માહિતી નું યોગદાન આપવું તે અમારી ફરજ નો એક ભાગ છે. ચૂંટણીઓ માં પક્ષ જે કોઈ ઉમેદવાર ને ટિકિટ આપે તે આદેશ ને શિરે ચડાવી તેના માટે પ્રચાર અને સંગઠન કાર્ય માં જોડાવવું તે જ પક્ષ પ્રત્યે ની વફાદારી અને શિસ્ત છે, "મતભેદ હોઈ શકે પણ મનભેદ નહિ".મારાં જેવાં હજારો કાર્યકર્તા આ નિયમ થી જ પક્ષ માં કાર્યરત છે અને આગળ પણ રહશે પરંતુ આપણા પક્ષ ના ઉમેદવાર ની ચૂંટણી માટે પ્રચારકાર્ય કરતાં શિક્ષિત અને સ્પષ્ટ વક્તા કાર્યકર્તા ને રાજકીય હરીફ ની જેમ વર્તે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરી થી અડગા રખાવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસ માં ખોટી ફરિયાદો અપાવી રાજકીય લાલશા ને તૃપ્ત કરવી અને 10 ડગલા ના અંતરે હોવાં છતાં પક્ષ ને વરેલા આગેવાન ના ઘર કે ઓફિસ પર જઈ બેસવા થી અંતર જાળવવા નું અને રાજકીય રીતે હરીફ પક્ષ ના ઉમેદવાર ના સામાજિક પ્રસંગ માં 1000 કિમિ નો પ્રવાસ કરી હાજરી પુરાવી ફાઈવ સ્ટાર મિજબાની કરી ને આવે તેવી પરિસ્થિતિ માં સંગઠન કઈ રીતે ટકશે? નાનો કાર્યકર્તા પોતાના જીવ ના જોખમે, ધંધા ના જોખમે કે સામાજિક જોખમ ને દાવ પર મૂકી પક્ષ ની વિચારધારા માટે કટ્ટારતા થી ક્યાં સુધી લડશે? અને રાજકીય લાભ ખાટવા માં વર્ષો થી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષ ના નેતૃત્વ ને છેતરશે? આવી બાબતે ગંભીરતા થી વિચારવા નો સમય આવી ગયો છે અને જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય અને કેટલાક સ્પષ્ટ,કટ્ટર અને આકરા રાજકીય નિયમો નાના થી લઇ પ્રદેશ ના શીર્ષ નેતૃત્વ સુધી ના તમામ ને માટે લાગુ થાય તો જ રાહુલ ગાંધી ના પ્રયાશો સફળ થશે તેવી અપેક્ષા સહ. કોંગ્રેસ પક્ષ માં બુદ્ધિજીવી અને શિક્ષિત કહી શકાય તેવા ડોક્ટર, એન્જીનીયર કે ટેક્નોક્રેટ છેલ્લે ક્યારે જોડાયા હશે તેનો ડેટા નહિ જ હોય પણ જે રહ્યા છે તેની ઘોર ખોદવા નીકળ્યાં હોય તેમના સામે શિક્ષાત્મક પગલાં લઇ જુના ને રક્ષિત કરશો ત્યારે નવા લોકો ને નેતૃત્વ પર વિશ્વાસ બેસશે તેવી અપેક્ષા સહ. હું કૉંગેસ પક્ષ ના હોદ્દા અને જવાબદારી પર થી મુક્ત કરવા શીર્ષ નેતૃત્વ ને જાહેર વિનંતી કરી રહ્યો છું પક્ષ ના પ્રાથમિક સદસ્ય તરીકે જાહેર કાર્યક્રમો માં કાર્યકર તરીકે કટ્ટીબધતા સાથે હાજરી આપીશ.
હું પ્રવક્તા હોવા છતાં કોઈ ડીબેટમાં જવા દેતા નથી - અમિત નાયક
આ અંગે કોગ્રેસના નેતા અમિત નાયકે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ હમણાં જ રેસના ઘોડા અને લગ્નના ઘોડાના વાત કરીને કોંગ્રેસના નેતાઓને ચેતવ્યા હતા. કોગ્રેસના નેતા હિમતસિંહ પટેલ પોતાના હરીફ ઉમેદવારના પ્રસંગમાં જાય છે. અને હિંમતસિંહન ભાજપના નેતાઓ સાથે વ્યવહારો છે. આ બાબતને મે જોઈ અને તેને સોશિયલ મીડિયામાં શેર કર છે. કારણ કે, છેલ્લા એક વર્ષથી મને કોઈ કારણ વગર પ્રવક્તા તરીકે કોઈ ટીવી ડીબેટમાં જવા દેતા નથી. રાહુલ ગાંઘીઓ મારી પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે તેમ છતાં મને મારી કામગીરી સારી રીતે કરવા દેવા માં આવતી નથી.
શક્તિસિંહ ગોહિલના રાજીનામાએ સૌને ચોંકાવ્યા
ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.