રાજકોટમાં હવે ડબલ ગતિએ વિકાસ થશે! કરોડોના વિકાસ કામોને મંજૂરી, પણ આ પ્રોજેક્ટ બંધ

લોકસભાની ચૂંટણીની આચર સહિત સહિત 97 દિવસ બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 119.37 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે 2017-18માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક મીટરથી પાણી વિતરણ કરવાનો પાઇલોટ પ્રોજેકટ શરૂ કર્યો હતો તે હવે પ્રોજેકટ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટમાં હવે ડબલ ગતિએ વિકાસ થશે! કરોડોના વિકાસ કામોને મંજૂરી, પણ આ પ્રોજેક્ટ બંધ

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. લોકસભાની ચૂંટણીની આચર સહિત સહિત 97 દિવસ બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 119.37 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે 2017-18માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક મીટરથી પાણી વિતરણ કરવાનો પાઇલોટ પ્રોજેકટ શરૂ કર્યો હતો તે હવે પ્રોજેકટ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી મીટરથી પાણી વિતરણનો પ્રોજેકટ અભેરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો હતો. 

રાજકોટના TRP ગેમઝોન આગકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું. જોકે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જ ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું હતું. મ્યુ.કમિશ્નર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો વિકસાવવા 45 લાખની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી હતી. જે સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 68 દરખાસ્તો આવી હતી. જેમાંથી 65 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી બે દરખાસ્તો રદ્દ કરવામાં આવી હતી જ્યારે 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જેમાં રાજકોટના રેસકોર્ષનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત મ્યુ.કમિશ્નર દ્વારા મોકલવામાં આવી હતી. જોકે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે ચંદ્રેશનગર વિસ્તારમાં 2017-18માં 24 કલાક પાણી વિતરણ કરવા માટે મીટર લગાવી પાઇલોટ પ્રોજેકટ અમલમાં લાવવામાં આવ્યો હતો. 

જોકે આ પ્રોજેકટના મેઈન્ટેન્સ માટેની દરખાસ્ત આવતા સ્ટેન્ડિંગ કમિટીએ રદ્દ કરી હતી અને આ પ્રોજેકટની રાજકોટમાં ક્યાંય અમલવારી ન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જ્યારે યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની દરખાસ્ત આવી હતી. જોકે સ્થળ પર મલ્ટી લેવલ પાર્કિંગ શક્ય થઈ શકે તેવું ન હોવાથી આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.

યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાસય દુર્ઘટના થયા બાદ વોકળાનો સ્લેબ નવો બનાવવાનો RMCએ નિર્ણય કર્યો હતો. જેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આવી હતી. જે દરખાસ્તમાં ચોમાસા બાદ યાજ્ઞિક રોડ બંધ કરી નીચે રહેલો વોકળાનો ભાગ તોડી પાડી વોકળો ડાયવર્ટ કરવામાં આવશે. વોકળામાં બોક્સ કલ્વર્ટ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં 4.91 કરોડનો ખર્ચ થવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ કોઠારીયામાં 4 માળનો કોમ્યુનિટી હોલ નિર્માણ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

RMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન આપ્યું હતું કે, 68 દરખાસ્તોમાંથી 65 દરખાસ્તો મંજૂરી આપી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 191 કરોડ 37 લાખના વિકાસ કામોને મંજૂરી આપી છે. 2 દરખાસ્તો નામંજૂર અને 1 પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રેસકોર્ષનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. 

જ્યારે સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા કન્સલ્ટન્ટની દરખાસ્ત અને રાજકોટમાં 24 કલાક પાણી વિતરણ કરવા માટે મીટર મુકવાનો પ્રોજેકટના મેઈન્ટેન્સની દરખાસ્ત નામંજુર કરી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 45 લાખના ખર્ચે ફાયર સેફટી વસાવવાની મંજૂરી અને આગામી દિવસોમાં RMCની તમામ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો માટેની દરખાસ્તો મોકલવામાં આવશે તેને મંજૂરી આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news