ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી, હવે ભાજપના હાથમાં સુકાન

Updated By: Jun 19, 2021, 12:22 PM IST
ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી, હવે ભાજપના હાથમાં સુકાન
  • બંને ઉમેદવારોને 6-6 મત મળતા ટાઇ પડી હતી. ટાઈ બાદ ચિઠ્ઠી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા પ્રમુખ બન્યા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તાના સ્થાને આવી છે. ભાજપના કિરણબેન સોની નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ ચૂંટણી પહેલા કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ રહેતા સત્તા ભાજપ પાસે આવી ગઈ છે. 

ચૂંટણીમાં ભાજપના સભ્યો હાજર હતા 
ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત ભાજપના સભ્યો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા આવવા ન દીધા. ભાજપના જ બે મહિલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. બંને ઉમેદવારોને 6-6 મત મળતા ટાઇ પડી હતી. ટાઈ બાદ ચિઠ્ઠી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા પ્રમુખ બન્યા છે.

ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટેની ચૂંટણી આજે 19 જૂને યોજાઈ હતી. ધાનેરા પાલિકાના મહિલા પ્રમુખ જગલબેન ઠાકોરનું તાજેતરમાં નિધન થયું હતું. જેના બાદ ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હતી. આજની આ ચૂંટણી રસપ્રદ બની રહી હતી. કારણ કે, ધાનેરા નગરપાલિકામાં ભાજપ પાસે 12 બેઠકો હતી. જ્યારે કે કોંગ્રેસ પાસે 15 બેઠક હતી.