)
અમદાવાદઃ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટમાં સતત માહિતી સામે આવી રહી છે. સોમવારે થયેલા ધમાકામાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેની સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ NIA ને સોંપી છે. આ વચ્ચે ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓની દિલ્હી બ્લાસ્ટમાં કોઈ સંડોવણી છે કે નહીં તેની તપાસ થશે.
ગુજરાતમાં ઝડપાયા હતા આતંકીઓ
તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓનએ ઝડપવામાં આવ્યા હતા. હવે દિલ્હી બ્લાસ્ટમાં ગુજરાતથી ઝડપાયેલા આંતકીઓનું કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે. હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરી રાઇઝીન બનાવી રહ્યો હતો. દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાની વાત સામે આવી છે. ATS ની ટીમ દિલ્હી બ્લાસ્ટની તપાસ માટે જશે.
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટ
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે 10 નવેમ્બર 2025ના રોજ સાંજે લગભગ 6.52 કલાકે એક સફેદ હુન્ડાઈ i20 કારમાં જોરદાર ધડાકો થયો જેમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. તપાસ એજન્સીઓ (દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, NIA, NSG) તેને ફિદાયીન હુમલો હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. કાર ફરીદાબાદથી દિલ્હી પહોંચી હતી અને સુનહરી મસ્જિદ પાસે 3 કલાક સુધી પાર્ક રહી હતી. વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં કારમાં એક વ્યક્તિ કાળા માસ્કમાં જોવા મળ્યો જે સંદિગ્ધ રીતે ડો. ઉમર મોહમ્મદ હોવાનું કહેવાય છે. તેની પહેલી તસવીર પણ સામે આવી છે.
કોણ છે સંદિગ્ધ ડોક્ટર ઉમર મોહમ્મદ
ડોક્ટર ઉમર મોહમ્મદ પુલવામા (જમ્મુ કાશ્મીર)નો રહીશ છે. તે એક એમબીબીએસ ડોક્ટર હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ તે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ, અને અંસાર ગઝવાત ઉલ હિન્દ સાથે જોડાયેલો છે. ફરીદાબાદમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ બાદથી તે ફરાર હતો. તેના બે ભાઈ પુલવામામાં પકડાઈ ચૂક્યા છે. પોલીસને 18 મોબાઈલ મળ્યા છે. જે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા હતા.