)
Mahant Indra Bharti Bapu: તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા ગણપતિ ઉત્સવના એક કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ આ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, "દાંડિયા ઓછા રમજો, પણ દાંડિયારાસમાં આપણી બહેનો અને દીકરીઓ વિધર્મીઓથી કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો."
બાપુએ વિગતવાર જણાવ્યું કે, કેવી રીતે કેટલાક વિધર્મીઓ ગરબાના ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવે છે. તેઓ કપાળમાં ચાંદલા કરે છે, હાથ પર ટેટુ કરાવે છે, અને ડુપ્લિકેટ આધારકાર્ડનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે. તેમનો મુખ્ય હેતુ ગરબા રમવાનો નહીં, પરંતુ હિન્દુ બહેનો અને દીકરીઓને ફસાવવાનો હોય છે.
આ મુદ્દાની ગંભીરતા સમજાવતા ઇન્દ્રભારતી બાપુએ યુવાનોને એક ભાવુક અપીલ કરી. તેમણે કહ્યું કે, "પહેલાના સમયમાં આપણા યુવાનો બહેનો-દીકરીઓ માટે પોતાનું માથું આપી દેતા હતા, હવે ખાલી તેમનું ધ્યાન રાખજો." તેમણે વધુમાં ઉમેર્યું, "જરૂર પડે તો દીકરીઓ માટે માથા દઈ દેજો." આ નિવેદન દ્વારા તેમણે યુવાનોને હિન્દુ સંસ્કૃતિ અને બહેનો-દીકરીઓની સુરક્ષા માટે જાગૃત થવાનો સંદેશ આપ્યો.
આ નિવેદન બાદ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરબાના આયોજકો અને યુવાનોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોએ આ વાતને સમર્થન આપ્યું છે અને ગરબા ગ્રાઉન્ડની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે અપીલ કરી છે. આ મામલો માત્ર ધાર્મિક નહીં, પરંતુ સામાજિક સુરક્ષાનો પણ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે આયોજકો અને તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે.