)
Ahmdabad News: જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માં ફરજ બજાવતા વેટરનરી ડૉક્ટર મયંક પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કૂતરાનો નખ વાગવાથી હડકવા (રેબીઝ) થવાની શક્યતા નહીવત્ છે. ડૉક્ટર પ્રજાપતિએ આ અંગે કેટલીક મહત્વની માહિતી આપી છે, જે અહીં રજૂ કરવામાં આવી છે.
કૂતરાના નખથી હડકવો લાગવાની શક્યતા કેમ ઓછી છે?
હડકવાનો વાયરસ મુખ્યત્વે કૂતરાની લાળમાં રહેલો હોય છે. આ વાયરસ સીધો મનુષ્યના લોહીના સંપર્કમાં આવે તો જ હડકવો લાગી શકે છે. કૂતરાના નખમાં સામાન્ય રીતે આ વાયરસ હોતો નથી. જોકે, એક અપવાદરૂપ કિસ્સો શક્ય છે.
જો કૂતરાએ તાજેતરમાં પોતાનો નખ મોંઢામાં નાખ્યો હોય અને તેના પર લાળ ચોંટી હોય, અને તે જ નખ કોઈ વ્યક્તિને વાગી જાય, તો હડકવો થવાની થોડી શક્યતા રહે છે. પરંતુ, આ વાયરસ હવામાં ખુલ્લો રહેતાં જલદી નષ્ટ પામે છે, તેથી આ પ્રકારની શક્યતા ઘણી ઓછી છે.
હડકવો ક્યારે અને કેવી રીતે લાગી શકે?
કૂતરાના કરડવાથી:
આ સૌથી સામાન્ય કારણ છે. જો કૂતરૂ કરડે અને તેની લાળ સીધી લોહીના સંપર્કમાં આવે, તો હડકવો લાગી શકે છે.
ઘા પર લાળ પડવાથી:
જો તમારી ચામડી પર કોઈ ઘા, ઈજા કે ઉઝરડો હોય અને તેના પર કૂતરાની લાળ પડે, તો સાવચેતીના ભાગ રૂપે તરત જ રસી લેવી સલાહભરી છે.
શરીર ચાટવાથી: પાલતુ કૂતરાને શરીર પર ચાટવા દેવું ન જોઈએ. જો તમારા શરીર પર કોઈ ખુલ્લો ઘા હોય અને કૂતરું તેને ચાટે, તો ચેપ લાગી શકે છે.
હડકવાથી બચવા માટે શું કરવું?
ડૉ. પ્રજાપતિએ જણાવ્યું કે હડકવાથી બચવા માટે કેટલાક મહત્વના પગલાં લઈ શકાય છે:
1. નિયમિત રસીકરણ:
દરેક કૂતરાને દર વર્ષે હડકવાની રસી અવશ્ય અપાવવી જોઈએ. આ પાલતુ અને રખડતા કૂતરા બંને માટે જરૂરી છે.
2. પ્રી-બાઇટ વેક્સિન:
જે લોકોને કૂતરાઓ સાથે વધુ સંપર્કમાં રહેવાનું થતું હોય, તેમણે હડકવા ન લાગે તે માટે એડવાન્સમાં ત્રણ ડોઝની રસી લેવી જોઈએ. આ રસીને પ્રી-બાઇટ વેક્સિન કહેવાય છે.
3. સાવચેતીના પગલાં:
જો કોઈ કારણસર કૂતરું કરડે અથવા તમારા શરીર પરના ઘા પર તેની લાળ પડે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને રસીના બાકીના ડોઝ લેવા.
આ માહિતી દર્શાવે છે કે કૂતરાના નખથી ગભરાવાની જરૂર નથી, પરંતુ જોખમ ટાળવા માટે રસીકરણ અને અન્ય સાવચેતીઓનું પાલન કરવું અનિવાર્ય છે.