)
Valsad News: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. 'ઓપરેશન વાઈટ કડાઈ' નામના આ સિક્રેટ ઓપરેશન હેઠળ, DRI ની ટીમે વલસાડ જિલ્લાના ધોબી કુવા ગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી, આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 22 કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ ' અલ્પ્રાઝોલમ' અને તેનો કાચો માલ ઝડપી પાડ્યો છે
DRI ને મળેલી બાતમીના આધારે, વલસાડ તાલુકાના ધોબી કુવા ગામ સ્થિત એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, DRI અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર અને અર્ધ-તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. DRI દ્વારા આ ફેક્ટરીમાંથી અત્યંત નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ ગણાતું 9.55 કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 104.15 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ (અર્ધ-તૈયાર સ્વરૂપમાં) પણ મળી આવ્યું છે. જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતું.
ડ્રગ્સના આ ઉત્પાદન માટે વપરાતો 431 કિલોગ્રામ કાચો માલ પણ કબ્જે લેવાયો છે. આ કાચા માલમાં પી-નાઈટ્રોક્લોરોબેન્ઝીન, ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ, ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ અલ્પ્રાઝોલમના ગેરકાયદે ઉત્પાદન માટે થતો હતો.તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર કારોબારના મુખ્ય સૂત્રધાર ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા છે. DRI ની ટીમે આ બંને મુખ્ય આરોપીઓ તેમજ અન્ય બે કર્મચારીઓની પણ ધરપકડ કરી છે.
સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામપણે નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા.DRI ની ટીમે દરોડાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ત્રણેય મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી, વધુ પૂછપરછ અને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું. પરંતુ તેને મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસ જેવા સંઘપ્રદેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું. રિમાન્ડ દરમિયાન આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે. તેનો પર્દાફાશ થવાની પ્રબળ શક્યતા છે. 'ઓપરેશન વાઈટ કડાઈ' થકી DRI એ વલસાડ જિલ્લામાં ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે.