)
Ahmdabad News: શહેરમાં વધુ એક વખત ભારે વાહનોનો કહેર જોવા મળી રહ્યો છે. વાળીનાથ ચોકમાં બેફામ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લીધા બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરામાં ગત રાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ ગતિએ આવતા ડમ્પરચાલકે ટુ-વ્હીલર સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આ અકસ્માત ખોખરા અનુપમથી મદ્રાસી મંદિર રોડ નજીક આવેલી અયોધ્યા સોસાયટી પાસે સર્જાયો હતો. 22 વર્ષીય ખુશ્બૂ ગુપ્તા નામની યુવતી પોતાનું ટુ-વ્હીલર લઈને પસાર થઈ રહી હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ખુશ્બૂનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગઈકાલે રાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારમાં શોકનું મોજું, પોલીસ કાર્યવાહી
માત્ર 22 વર્ષની આશાસ્પદ યુવતીના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ ભારે વાહનોની અવરજવર અને તેમની ગતિ મર્યાદા પર ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે. ઘટનાની જાણ થતા જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવાની તપાસ હાલ તેજ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, હજુ ચાર દિવસ અગાઉ જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક એક દંપતીને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા