)
List of earthquakes in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓક્ટોબર માસમાં રાજ્યમાં નાના-મોટા મળીને ભૂકંપના કુલ 100 આંચકા નોંધાયા હતા, જે એક ચિંતાનો વિષય છે. આ સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર મહત્તમ 3.5 ની તીવ્રતા નોંધાઈ હતી.
લોકોમાં ભયનો માહોલ
ભલે આમાંથી મોટાભાગના આંચકા ઓછી તીવ્રતાવાળા હતા, છતાં તેમની સતત હાજરીએ લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ધરતી વારંવાર ધ્રૂજવાના કારણે સ્થાનિકોમાં એક પ્રકારની સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે. નોંધનીય છે કે ઓક્ટોબરમાં આવેલા 100 ભૂકંપમાંથી 51 ભૂકંપ 2 થી 3.5ની તીવ્રતાવાળા રહ્યા હતા.
કચ્છ અને સૌરાષ્ટ્ર મુખ્ય કેન્દ્રો
આ ભૂકંપના આંચકાનું મુખ્ય કેન્દ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર રહ્યું હતું. કચ્છ જિલ્લાના ધોળાવીરા, રાપર અને તેની આસપાસના વિસ્તારમાં અનેકવાર ધરતી ધ્રૂજી હતી. તા. 5 ઓક્ટોબરે રાત્રે 10:33 કલાકે રાપર નજીક 3.5 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. તા. 12 ઓક્ટોબરે રાત્રે 9.48 કલાકે ધોળાવીરા નજીક 3.2 ની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ નજીક તા. 24 ઓક્ટોબરે બપોરે 3.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
જિયોલોજિસ્ટોનો અભિપ્રાય અને તંત્રની સજ્જતા
સતત આવતા આંચકાઓ અંગે જિયોલોજિસ્ટોનું માનવું છે કે આ ઝટકા કોઈ મોટી ભયજનક સિગ્નલ નથી, પરંતુ સાવચેતી હંમેશા જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવે છે.રાજ્યનું તંત્ર પણ સતર્ક છે. બચાવ ટીમો અને મોનિટરિંગ ટીમો સતત સતર્ક રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આગામી સમયમાં પણ સમગ્ર પ્રદેશ પર નજીકથી નજર રખાશે અને લોકોને ગભરાયા વિના સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.